September 15, 2024

ત્રણ-ત્રણ જગ્યાએથી સેલેરી લેતા હતા માધબી પુરી બુચ, SEBI ચીફ પર કોંગ્રેસનો મોટો આરોપ

SEBI: કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના ચેરમેન પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા દાવા કર્યા છે. તેમણે કહ્યું, “આ દેશમાં શતરંજનો ખેલ ચાલી રહ્યો છે, પરંતુ ખેલાડીઓ કોણ છે તેના પર અમે નિર્ણાયક રીતે પહોંચ્યા નથી. જુદા જુદા પ્યાદાઓ છે. અમે તેમાંથી એક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે માધબી પૂરી બૂચ.”

પવન ખેડાએ વધુમાં જણાવ્યું હતું કે, “માધબી પુરી બૂચ SEBIના સભ્ય હતા, ત્યારબાદ તેઓ 2 માર્ચ, 2022ના રોજ અધ્યક્ષ બન્યા હતા. SEBI શેરબજાર રેગ્યુલેટર છે અને તેમની નિમણૂક વડાપ્રધાન અને ગૃહમંત્રી કરે છે.” પવન ખેડાએ દાવો કર્યો હતો કે SEBI ચીફ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતા હતા. તેઓ ICICI બેંક, ICICI પ્રુડેન્શિયલ અને SEBI પાસેથી એક સાથે પગાર લેતા હતા.

માધબી પુરી બુચે રાજીનામું આપવું જોઈએ
પવન ખેરાએ જણાવ્યું હતું, “2017 અને 2024 દરમિયાન કરોડોની રેગ્યુલર આવક ICICI બેંક લઈ રહી હતી અને ઇ-શોપ પર TDS હતો, તે પણ આ બેંક ચૂકવી રહી હતી. આ સીધે સીધું SEBIની કલમ 54નું ઉલ્લંઘન છે. તેથી જો માધબી પુરી બૂચને સહેજ પણ શરમ હોય તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.”

‘2017 અને 2024 વચ્ચે ICICI બેંકમાંથી 16.8 કરોડ લીધા’
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો કે, “સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) શેરબજારના નિયમનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યાં આપણે આપણાં પૈસાનું રોકાણ કરીએ છીએ. પરંતુ, SEBIના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? આ કેબિનેટની નિમણૂક સમિતિ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સમાવેશ થાય છે. આ સમિતિના બે સભ્યો SEBIના અધ્યક્ષની નિમણૂક માટે જવાબદાર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે SEBIના અધ્યક્ષ માધબી પુરી બુચના સંદર્ભમાં એ ધ્યાન આપવામાં આવ્યું કે તેમને 2017 અને 2024 દરમિયાન ICICI બેંકમાંથી 16.8 કરોડ રૂપિયાની નિયમિત આવક મળતી રહી છે. જો તમે SEBIના પૂર્ણકાલીન સભ્ય છો, તો તમને ICICI બેંકમાંથી પગાર કેમ મળી રહ્યો હતો. પવન ખેડાએ કહ્યું કે ESOP અને ESOPનું TDS પણ ICICI બેંકથી લઈ રહ્યા હતા. એટલે અમે જાણવા માંગીએ છીએ કે તમે SEBIના પૂર્ણકાલીન હોવા છતાં પોતાનો પગાર ICICI બેંક પાસેથી કેમ લઈ રહ્યા હતા?

પવન ખેડાએ PM મોદીને કર્યા સવાલો

  • જ્યારે, SEBIના વડાની પસંદગી કરવામાં આવે છે, ત્યારે તેના માપદંડ શું હોય છે?
  • શું નિયુક્તિ સમયે ACC સમક્ષ આ તથ્યો આવ્યા આવી હતી કે નહીં? અને જો આવ્યા ન હતા તો તેઓ કેવી સરકાર ચલાવી રહ્યા છે?
  • શું વડાપ્રધાનને જાણકારી હતી કે SEBIના અધ્યક્ષ એક ઓફિસ ઓફ પ્રોફિટમાં બેઠા છે અને SEBIના મેમ્બર સાથે ICICI પાસેથી પગાર લે છે?
  • શું પીએમ જાણકારી કે SEBIના ચેરપર્સન ICICIની ઘણી બાબતો પર નિર્ણયો લઈ રહ્યા છે?
  • SEBIના ચેરપર્સનને લઈને અનેક તથ્યો છે છતાં તેમને કોણ છાવરી રહ્યું છે?