પાટણમાં 10 વર્ષ અગાઉના ગરીબ કલ્યાણ મેળાની સાયકલો ભંગાર હાલતમાં મળી

ભાવેશ ભોજક, પાટણ: પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ જૂની અને બંધ હાલતમાં જર્જરીત પડેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના બંધ ઓરડામાં પાટણ શહેર કોંગ્રેસ દ્વારા તપાસ કરાતા 10 વર્ષ અગાઉના ગરીબ કલ્યાણ મેળાની સાયકલો ભંગાર હાલતમાં ધૂળ ખાતી મળી આવતા ખળભળાટ મચ્યો છે. ગરીબ અને શ્રમિક વર્ગના લાભાર્થીઓને આપવાની થતી આ સાયકલો વિતરણ કર્યા વગર જ પડી રહેતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. જિલ્લા મથકની વિવિધ કચેરીઓના અધિકારીઓને પૂછતા આ સાયકલો મામલે તેઓએ માથેથી ખભે કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ સાઇકલો કયા વિભાગ દ્વારા વિતરણ કરવાની હતી.
રાજ્ય સરકાર દ્વારા ગરીબલક્ષી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ અધિકારી – કર્મચારીઓની લાલિયાવાડીને કારણે તેમજ રાજકીય પક્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતાને કારણે આવી યોજનાઓનો લાભ જે તે લાભાર્થીઓ સુધી પહોંચતો નહીં હોવાની પ્રતીતિ કરાવતો બનાવ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા તપાસ દરમિયાન પ્રકાશમાં લાવવામાં આવ્યો છે.
પાટણ શહેરમાં તાલુકા કક્ષાની કચેરીઓથી ધમધમતા ભદ્ર વિસ્તારમાં આવેલ જૂની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના એક બંધ ઓરડામાં ભંગાર અને ધૂળ ખાતી સાયકલોનો જથ્થો મળી આવ્યો છે. તપાસ કરતા આ સાયકલો ઉપર ગરીબ કલ્યાણ મેળો વર્ષ 2014-15 લખેલ છે. આ સાયકલો કયા કારણોસર લાભાર્થીઓને વિતરણ કર્યા વગર પડી રહી તે મામલે પાટણ જિલ્લાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતા તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા અને માથેથી ખભે કરી એકથી બીજી કચેરી પર ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં જથ્થાબંધ સાયકલો વિતરણ કર્યા વગર જ ભંગાર પડી રહી તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો જ સાચી હકીકત બહાર આવે તેમ છે.
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના એક ઓરડામાંથી ધુળ ખાતી સાયકલો મળી આવી છે. ત્યારે પાટણ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં આવી સાયકલો જ્યાં જ્યાં પડી હોય ત્યાંથી એકત્ર કરીને ગરીબ અને શ્રમિક લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે. તેમજ લાભાર્થીઓ સુધી સાયકલો નહીં પહોંચાડનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.