ભૂપેન્દ્ર ઝાલાના વકીલે કહ્યું- આગળની તપાસમાં BZ સ્કેમ નથી એ પણ સાબિત થઈ જશે

જયેશ ચૌહાણ, અમદાવાદ: BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે ચાર્જશીટ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ વિરલ પંચાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ચાર્જશીટ બાદ આરોપીઓની જામીન અરજી દાખલ કરવામાં આવશે. નનામી અરજીના આધારે 6000 કરોડના ફ્રોડની વાત કરવામાં આવી હતી. 6000 કરોડની વાતો થઈ પરંતુ ચાર્જશીટમાં 172 કરોડની જ વાત કરવામાં આવી છે. 172 કરોડની રકમ પણ વ્યાજ સહિતની રકમ બતાવવામાં આવી છે, કેટલીક રકમ ચૂકવાઈ ગઈ છે જેને ચાર્જશીટમાં કાઉન્ટ કરવામાં આવી નથી. માત્ર 94 કરોડની રકમ જ ચૂકવવાની બાકી છે. રોકાણકારોને નાણા ચૂકવવાની સમયસીમા પણ હજી પૂર્ણ થઈ નથી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ વિરલ પંચાલે જણાવ્યું કે, મારા મતે અને ડોક્યુમેન્ટ્સના આધારે પણ આ ફ્રોડ નથી. આગળની તપાસમાં પણ BZ સ્કેમ નથી એ સાબિત થઈ જ જશે. ઓફિશ્યલી વેબસાઇટનો આંકડો 422 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. ફરિયાદના આધારે યોગ્ય તપાસ ના કરીને ખાતા ફ્રીઝ કરી દેવાયા હતા. 11,232 રોકાણકારોએ પોતાના નાણાં રોક્યા છે, જેમાંથી અમુકના નાણાં મળી ગયા હતા. 6886 રોકાણકારો 172 કરોડ રૂપિયા વ્યાજ અને મૂડી સાથે બાકી રહેતા હતા. 6886 રોકાણકારોના રૂપિયાની ચૂકવણીની સમયસીમા હજી પૂર્ણ થઈ નથી. 172 કરોડ રૂપિયાના હિસાબમાં ઘણા એવા નાણાં છે જે ચૂકવાઈ ગયા છે, જે વેબસાઈટમાં 1 મહિનાનો ડેટા અપડેટ કરવાનો રહી ગયો છે જેની ખરેખર તપાસ કરાઈ નથી.