તાપી જિલ્લાના માંડલ ટોલનાકાથી મુક્તિ માટે જિલ્લા વાસીઓનો વિરોધ

દિપેશ મજલપુરીયા,તાપી: તાપી જિલ્લામાંથી પસાર થતો હજીરાથી ધુલિયાને જોડતા નેશનલ હાઈવે નંબર 53 પર આવેલા માંડલ ટોલનાકા પર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે સ્થાનિક લોકો દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ છે. આજે સવારથી જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં માંડળ ટોલ નાકા પર ભેગા થયા હતા, જેને પગલે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી તાપી જિલ્લાના સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે અવારનવાર રજૂઆતોની સાથે વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં ન આવતા આજે લોક આક્રોશ ચરમ સીમાએ જોવા મળ્યો હતો. આજે જિલ્લાના સ્થાનિક લોકો દ્વારા સોનગઢ તાલુકામાં આવેલ માંડળ ટોલનાકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને માંડળ ટોલનાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો ટોલમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો આજે નેશનલ હાઈવે નંબર – 53 પર ચક્કાજામ કરવામાં આવશે તેવી સ્થાનિક લોકોની ચીમકી આપી હતી.

અગાઉથી આજે સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું હોવાના સમાચારને લઈને સોનગઢ નગરના કેટલાક સ્થાનિક આગેવાનોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા હતા, બીજી તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તાપી જિલ્લા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ટોલનાકા પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સ્થાનિકો દ્વારા ટોલનાકા પર બેસી વિરોધ કરવામાં આવતા નેશનલ હાઇવે નંબર 53 પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.