November 22, 2024

દિવાળી ઉપર વહેલી સવારે ફરવા જેવું આ સિટી, યાદગાર રહી જશે ટુર

Best Places Visit in Diwali Vacation: દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. દિવાળની રજામાં ઘણા લોકો ફરવા જવાનું પ્લાન બનાવે છે. મોટાભાગના લોકો જે તે જગ્યાએ ફરવા જાય ત્યારે ત્યાં શું-શું જોવું એની યાદી તૈયાર કરે છે. ક્યારેય એવું પ્લાનિંગ કર્યું છે કે, વહેલી સવારે ફરવા માટે કંઈક પ્લાન કર્યું હોય? આ વખતે જ્યારે રજામાં જાવ અને દિલ્હી ફરવાનો પ્લાન હોય તો આ વખતે વહેલી સવારે ફરવાનું પ્લાનિંગ કરવા જેવું છે. અહીં ઘણી જગ્યાઓ છે જે સવારે 7 વાગ્યે ખુલે છે, જેમાં કુતુબ મિનારનો સમાવેશ થાય છે. જો ભીડથી બચવા માંગતા હોવ અને દિલ્હીની કેટલીક જગ્યાઓ શાંતિથી જોવા માંગતા હોવ તો રાજધાનીની તે 5 જગ્યાઓ જોવા આવો જે સવારે 7 વાગ્યે ખુલે છે. ઠંડી હવાની વચ્ચે અહીં ફરવા જવાની ચોક્કસ મજા આવશે. ફોટા પણ મસ્ત આવશે અને ટ્રાફિક પણ એટલો નહીં હોય.

કુતુબમિનાર
કુતુબમિનાર વિશે માત્ર દિલ્હીના લોકો જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આ જગ્યા વિશે જાણે છે. આ 73 મીટર ઉંચો મિનારો કુતુબુદ્દીન ઐબકે 1193માં બનાવ્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંનું એક હોવાને કારણે, કુતુબ મિનાર સપ્તાહના અંતે ભારે ભીડ હોય છે. આ જગ્યા પ્રખ્યાત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સામેલ છે. તમે વહેલી સવારે આરામથી અને શાંતિથી દિલ્હીમાં આ સ્થળની મુલાકાત લઈ શકો છો. સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી તે ખુલ્લું રહે છે. પણ વહેલી સવારે અહીંયાનો નજારો ખૂબ અલહ હોય છે. ઠંડીના માહોલમાં ભીડ ઓછી હોય છે. ફોટા પાડવાની પણ મજા આવે છે.

રાજઘાટ
રાજઘાટ રાજધાનીના સૌથી શાંતિપૂર્ણ સ્થળોમાંથી એક છે. આ સ્થળ મહાત્મા ગાંધીને પણ સમર્પિત છે. યમુના નદીના કિનારે આવેલા આ સ્થળની શાંતિ તમને ચોક્કસ ગમશે. અહીં વહેલી સવારે આવશો તો એક અલગ અનુભવ થશે. કારણ કે આ જગ્યા જોવાની ખરી મજા તો સવારમાં જ છે. શિયાળાની ઋતુમાં પણ અહીં મોટાભાગના પ્રવાસીઓ આવે છે. શિયાળાની સીઝનમાં અહીં મસ્ત ઠંડક હોય છે. સમય: સવારે 6 થી સાંજે 6:30 સુધી

લોધી ગાર્ડન
લોધી ગાર્ડન વહેલી સવારે, સૂર્યોદય પહેલાં પણ ખુલે છે, આ લીલીછમ જગ્યામાં ઘણા ફિટનેસ ફ્રીક્સ જોઈ શકો છો. કેટલાક ઐતિહાસિક સ્થળોની સાથે સાથે ઘણા નાના પાર્ક પણ છે. જ્યાં ઘણા પરિવારો તેમના બાળકો સાથે અહીં આવે છે. અહીં ધ્યાન આકર્ષિત કરતી પ્રથમ વસ્તુ બડા ગુંબડનો પાછળનો ભાગ છે, જેમાં મધ્યમાં એક મકબરો અને મસ્જિદનો સમાવેશ થાય છે. તેનું નિર્માણ સિકંદર લોદીના શાસન દરમિયાન થયું હતું. તેવી જ રીતે, અહીંની અન્ય રચનાઓ લોદી વંશની છે. તમે અહીં મોર્નિંગ વોક માટે આવી શકો છો. અથવા વહેલી સવારે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. સમય: સવારે 6 થી 8

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

જંતર મંતર
જંતર મંતરનું નિર્માણ 1724માં જયપુરના મહારાજા જય સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વેધશાળાનો ઉપયોગ તેમના સમયમાં ખગોળશાસ્ત્રના અભ્યાસ માટે કરવામાં આવતો હતો. આ સાઈટમાં વિશાળ સાધનોનો એક અનોખો સમૂહ છે જે 18મી સદીમાં ખગોળશાસ્ત્રીય પરિસ્થિતિઓનું અવલોકન કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્થળ વહેલી સવારે ખુલે છે, જ્યાં કેમ્પસના લીલાછમ મેદાનોમાં ફરવા જઈ શકો છો અને તમારા નવરાશના સમયે અહીં બધું જોઈ શકો છો.
સમય: સવારે 6 થી સાંજે 6:30 સુધી