December 18, 2024

પોલીસ કસ્ટડીમાં મારપીટ અને હોસ્પિટલમાં મોત… PSI સામે હત્યાનો ગુનો નોંધાયો

ગુજરાતના જૂનાગઢમાં એક પોલીસ અધિકારીની કાર્યવાહીએ સમગ્ર ડિપાર્ટમેન્ટને કલંકિત કરી દીધો છે. જૂનાગઢના પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એક આરોપીને લોકઅપમાં એટલો માર્યો હતો કે હોસ્પિટલ પહોંચતા જ તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર મામલો સામે આવતાં હોબાળો મચી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓએ આરોપી પી.એસ.આઈ.ને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો અને તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. PSI મુકેશ મકવાણા પર આરોપ છે કે એ તેણે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મુકેશ મકવાણા બી ડિવિઝનમાં પોસ્ટેડ હતા. PSI મુકેશ મકવાણાએ રિમાન્ડ દરમિયાન આરોપી હર્ષિલ જાદવને સખત માર માર્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ હર્ષિલ જાદવને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલા બાદ પોલીસે પી.એસ.આઈ. મુકેશ વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. માહિતી અનુસાર પી.એસ.આઈ. દ્વારા માર મારનાર હર્ષિલ જાદવ છેતરપિંડીના કેસમાં આરોપી હતો. પોલીસે તેને રિમાન્ડ પર લીધો હતો. બીજી બાજુ હર્ષિલના પરિવારજનો અરોપ છે કે જૂનાગઢ સ્થિત બી ડિવિઝનના પી.એસ.આઈ. મુકેશ મકવાણાએ આ કેસને ભીનુ સંકેલવા અને રફાદફા કરવા માટે હર્ષિલ જાદવ પાસે રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી.

મૃતકના ભાઈ બ્રિજેશ જાદવના જણાવ્યા અનુસાર 3 લાખ રૂપિયા ન મળતા PSI મુકેશ મકવાણાએ હર્ષિલ જાદવને રિમાન્ડ દરમિયાન ઢોર મારવામાં માર્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના બી ડિવિઝનના પી.એસ.આઈ. મુકેશ મકવાણાએ તેના ભાઈને જલ્લાદની જેમ માર માર્યો હતો. પી.એસ.આઈ.એ મારા ભાઈને કસ્ટડીમાં એટલી હદે માર માર્યો કે તેના એક પગમાં ફ્રેક્ચર થયું અને બીજા પગનો સાંધો ફાટી ગયો હતો. જૂનાગઢમાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી સારવાર ચાલી હતી જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે પીએસઆઈ મુકેશ મકવાણાએ આરોપીને કસ્ટડીમાં એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. આ ગુજરાતમાં આ પહેલી ઘટના નથી. નોંધનીય છે કે અગાઉ વર્ષ 2022માં ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના 14 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના કેસ વધી રહ્યા છે. પોલીસ દ્વારા કેસને નબળો પાડવા માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી અને જો પૈસા નહીં મળે તો તેમને માર મારવામાં આવશે. વધુમાં કહ્યું કે યુનિફોર્મમાં ગુંડાગીરી કરનારાઓથી ગુજરાતના લોકો ચિંતિત છે. એસસી/એસટી અને દેવી પૂજક સમાજ આવા લોકોથી પરેશાન છે. બીજી બાજુ કોંગ્રેસે આ મામલે મેજિસ્ટ્રેટ તપાસની માંગ કરી છે અને કહ્યું કે સરકારે બને તેટલી વહેલી તકે જવાબદાર તમામ લોકો સામે પગલાં લેવા જોઈએ.