September 20, 2024

26 જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો જોવા મળશે, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું મોજું ફરી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં સ્થિતિ વધુ સારી રહેવાની આગાહી કરી છે. બીજી બાજુ અરબી સમુદ્રમાં છૂટાછવાયા વરસાદ અને ચક્રવાતને લીધે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 6-7 ડિગ્રી જેટલું ઓછું થઈ ગયું છે. માહિતી અનુસાર ગઇ કાલે બુધવારે નલિયામાં સૌથી ઓછું 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગની માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં 26 જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગના જાણકાર અનુસાર હળવા ચક્રવાતના સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં ઓછામાં ઓછો બે ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે 26થી 31 જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે. જોકે, 28થી 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. આ વખતે મઘ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે. આ સાથે મહત્તમ તાપમાન 30-31 થવાની શક્યતા છે. એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને વાદળો આવશે. સામાન્ય રીતે પવિત્ર મહાશિવરાત્રીના તહેવાર પછી ઠંડી ઓછી થઇ જતી હોય છે. હવામાન જાણકારો અનુસાર હજુ 15-20 દિવસ ઠંડીની તીવ્રતામાં ઉતાર-ચઢાવ જોવા મળશે.