September 14, 2024

BCCIના સચિવ જય શાહનો ડંકો વાગ્યો, ICC ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

ICC: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આગામી પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. ઓક્ટોબર 2019થી BCCIનું કામકાજ સંભાળી રહેલા જય શાહ 1 ડિસેમ્બર, 2024થી ICCના અધ્યક્ષનું પદ સંભાળશે. વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે અને આ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી.

ICCના જણાવ્યા અનુસાર, જય શાહ એકમાત્ર ઉમેદવાર હતા જેમણે આ પદ માટે નોમિનેશન ફાઇલ કર્યું હતું અને આગામી અધ્યક્ષ તરીકે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. 30 નવેમ્બરના રોજ મુદત પૂર્ણ થયા બાદ બાર્કલે ત્રીજી મુદતની રેસમાંથી ખસી ગયા હતા, જેના કારણે રમતની વૈશ્વિક સંચાલક મંડળમાં જય શાહના ભાવિ અંગે અટકળો શરૂ થઈ હતી. શાહને ICC બોર્ડના સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંના એક ગણવામાં આવે છે. તેઓ હાલમાં ICCની શક્તિશાળી ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ સબ-કમિટીના વડા છે.

કોણ લેશે BCCIમાં જય શાહનું સ્થાન?
BCCI સેક્રેટરી જય શાહ ICCના અધ્યક્ષ માટેના પદ માટે સૌથી મજબૂત ઉમેદવાર હતા. હવે, જય શાહના ICC ચેરમેન બનવાની જાહેરાત બાદ સવાલ એ થાય છે કે BCCIના આગામી સચિવ કોણ હશે? આ માટે બે મોટા દાવેદારો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેઓ જય શાહનું સ્થાન લઈ શકે છે.

આ પણ વાંચો: જય શાહ ICC પ્રમુખ બને તો કોણ બનશે BCCIના આગામી સચિવ, આ બે નામોની ચર્ચા તેજ

બીસીસીઆઈના આગામી સચિવ પદ માટે બે દાવેદાર
જો જય શાહ ICC પ્રમુખ બનશે તો BCCIના આગામી સચિવ કોણ હશે? સૂત્રોના જણાવ્યા અનુસાર આ પદ માટે બે મોટા ઉમેદવારો છે. પ્રથમ છે ભૂતપૂર્વ કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, જેમની પાસે ક્રિકેટની કામગીરીનો સારો અનુભવ હોવાથી તેઓ ઉપર છે. તેઓ બીસીસીઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અન્ય દાવેદાર બીસીસીઆઈના જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયા છે, તેમની પાસે પણ સારો અનુભવ છે. વરિષ્ઠ વકીલ દેવજીત આસામ ક્રિકેટ એસોસિએશનના સચિવ પણ રહી ચૂક્યા છે.