યુવકના માથામાં લોખંડની પાઇપ વડે હુમલો, સારવાર દરમિયાન મોત; પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના અસમાપુરા ગામે 21 ઓક્ટોબરે સામાન્ય બાબતમાં જીગર વાઘેલા નામના યુવકને માથામાં લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેને લઇ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકનાં પરિવારોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે, 10 દિવસની સારવાર બાદ યુવકનું મોત થતા યુવકના પરિવારોએ આરોપીને ઝડપી પકડવામાં આવે અને તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પાલનપુર સિવિલમાંથી મૃતકની લાશ લઈ જવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે પાલનપુર સિવિલમાં હિન્દુ સંગઠન પહોંચ્યા હતા અને તાત્કાલિક આરોપીઓને પકડવાની માગ કરી હતી.
પાલનપુર સિવિલમાં અસમાપુરાના મૃતક યુવક જીગર વાઘેલાના મૃતદેહનો સ્વીકારવાનો પરિવાર ઠાકોર સમાજ અને હિન્દુ સંગઠનોએ ઇન્કાર કરી દીધો છે. સવારથી જ ડીવાયએસપી પીઆઇ અને પોલીસ કક્ષાના અધિકારીઓ, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સમાધાન પ્રક્રિયામાં જોડાયા છે. પરંતુ જે પ્રકારે હુમલાની ઘટના બની તેને લઈને પોલીસ દ્વારા આરોપીને પકડવા મામલે યુવકના પરિવારજનોમાં તેમજ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઠાકોર સમાજની, પરિવારની અને હિન્દુ સંગઠનોની માગણી છે કે, આરોપીને કડક સજા થાય તેમજ અન્ય ત્રણ આરોપીઓ છે, તેમની તાત્કાલિક ધરપકડ થાય તેવી માગણી કરવામાં આવી છે. જો કે, આરોપીને ન પકડવામાં આવતા મૃતક યુવકના પરિવારજનો, સામાજિક લોકો તેમજ હિંદુ સંગઠનો સિવિલ પહોંચી અને યુવકના મૃતદેહને લેવાનો ઇનકાર કર્યો હતો. જેને લઇને ડીવાયએસપી સહિત પોલીસ કાફલો પાલનપુર સિવિલ પહોંચ્યો હતો અને સમજાવટ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે સમગ્ર મામલે તાત્કાલિક આરોપીઓને પકડીને કડક સજા કરવામાં આવે તેવી મૃતકના પરિવારજનો સહિત હિન્દુ સંગઠનો માગ કરી હતી.
અસ્માપુરાના યુવકના મોતને મામલે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમજ હિંદુ સંગઠનો પણ પાલનપુર સિવિલમાં પહોંચ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલાને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચી તમામ મામલે સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આ મામલાને લઈને ડીવાયએસપીએ કહ્યું હતું કે, અત્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે લોકોની માગણી છે તેને લઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.