December 14, 2024

અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં, જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પ્રતિક ધરણાં

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા વિનાશથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોને આર્થિક મદદ અપાવવા માટે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા આ મુદ્દે કલેક્ટર કચેરી સામે જ પ્રતિક ધરણાં કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. પરિણામે હવે આ મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી છે. આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની આગેવાનીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રતિક ધરણાં કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ધરણા કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા રાહત પેકેજમાં પણ અમરેલી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

નવા વર્ષની શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નો લઈને હવે રસ્તા પર ઉતરી છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ખેડૂતોને નુકસાની વળતર અપાવવા માટે પ્રતિક ધરણાંની શરૂઆત કરી છે. અમરેલી કલેક્ટર કચેરીની સામે જ કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, આ હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં આ કાર્યક્રમ તાલુકા મથક સુધી લઈ જવામાં આવશે. સરકાર દ્વારા ખેડૂતોને રાહત પેકેજ નહીં પરંતુ દેવા માફી આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લાના ખેડૂતો માટેની આ લડાઇ મુદ્દે આજે પ્રતિક ધરણા બાદ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.