November 22, 2024

નવાબે હિંદુ રાણી માટે બંધાવ્યું માતાજીનું મંદિર, વર્ષમાં બે વખત જ ખૂલે છે

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુરમાં નવાબે હિંદુ રાણી માટે નાગણેશ્વરી માતાજીનું મંદિર બંધાવ્યું હતું. ત્યારે આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

પાલનપુર સ્ટેટના નવાબના પુત્ર મુઝાહિતખાનના લગ્ન 1628માં પૂંજાજી જાડેજા રાજપૂતની દીકરી માનબાઈ સાથે થયા હતા. તે સમયે દાયજામાં શ્રીફળ, યંત્ર, પાદુકા અને પુસ્તક આમ ચાર વસ્તુઓ મળી હતી. જેને શુભ સંકેત સમજી રાણી માનબાઈ માટે અહીંયા નાગણેચી માતાનું મંદિર તે સમયના સ્ટેટના નવાબ દ્વારા મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તે સમયે સિદ્ધપુરના ઔદીચ્ય બ્રાહ્મણ દ્વારા વિધિવિધાન સાથે પ્રથમવાર મંદિરની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેથી આજેય પણ સિદ્ધપુરના તેમના વંશજોમાં લગભગ 7મી પેઢીમાં આવતા બ્રાહ્મણ પરિવાર દ્વારા અહીં આવીને વિશેષ પૂજા-અર્ચના અને યજ્ઞ કરવામાં આવે છે. મહત્વનું એ છે કે આ મંદિર રાજમાતાનું હોવાથી તે સમયે અન્ય લોકો અહીં દર્શન ન કરી શકતા, તેથી આજેય રાજમાતાના મંદિરને વર્ષમાં માત્ર બે વાર જ ખોલવામાં આવે છે. એક નાગપાંચમ અને બીજું નવરાત્રીના આઠમના દિવસે આ મંદિરે ખુલ્લુ મૂકવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, ગુજરાતમાં માત્ર બે નાગણેચી માતાના મંદિર આવેલા છે. એક સાબરકાંઠાના ઇડરના ગોખમાં નાગણેચી માતાની પૂજા થાય છે. બીજું આ મંદિર જે મંદિર બનાસકાંઠાના પાલનપુરમાં આવેલું છે. ભારતમાં આ એક એવું મંદિર છે કે જ્યાં સંધ્યા ટાઇમ બાદ એટલે કે સાંજે જ આરતી યજ્ઞ અને હવન થાય અને મોડી રાત સુધી આ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવે છે. નાગણેચી માતાના આ પૌરાણિક મંદિરમાં ભક્તો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અહીં પાલનપુર જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો નાગણેચી માતાના મંદિરે આવીને માનતાઓ માને છે. આ માનતાઓ અહીંયા પૂરી થતી હોવાની પણ ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે. વર્ષમાં બે વાર ખુલતા આ રાજમાતાના મંદિરે ભક્તો પોતાની અતૂટ આસ્થા સાથે પહોંચીને પોતાની બાધાઓ અને માનતાઓ પણ પૂર્ણ કરતા હોય છે.

દેશમાં એક તરફ સત્તા માટે હિન્દુ મુસ્લિમની રાજનીતિના રોટલા શેકતા નેતાઓ માટે આ મંદિર નવાબી શાસન કાળથી કોમી એકતાનું પ્રતીક બન્યું છે. આ મંદિર મુસ્લિમ વિસ્તારમાં હોવા છતાં મુસ્લિમ લોકો આ મંદિર આસપાસ સ્વચ્છતા જાળવે છે. તેમજ નજીકમાં જ અડીને આવેલી મુસ્લિમ સમાજની સ્કૂલ પણ બે દિવસ બંધ રાખી મંદિરમાં આવનારા ભક્તો માટે અને આયોજન કરનારા લોકો માટે સગવડતા પૂરી પાડે છે. એટલે કહી શકાય કે ધર્મના ઠેકેદારો બનીને લોકોને ધર્મના નામે લડાવી રહ્યા છે, તેમના માટે નવાબી શાસન કાળથી હિંદુ રાણી માટે બનાવવામાં આવેલું રાજમાતાનું આ નાગણેચી મંદિર ગાલ પર તમાચો લગાવી કોમી એકતાનું પ્રતિક બની તેમને સર્વ ધર્મ સમભાવની પ્રતીતિ કરાવી રહ્યું છે.

બદલાતા સમય સાથે દેશમાં આજે મંદિર તોડો મસ્જિદ તોડોના નારા લગાવી માનવ-માનવ વચ્ચે મોટી ખાઈ ઊભી થઈ છે. જેથી ભારત દેશની અખંડતા અને એકતા ક્યાંક ને ક્યાંક થોડાક લોકોની સત્તા જાળવવા તૂટી રહી છે. ત્યારે એવામાં આવા મંદિરો અને જે તે સમયના રાજા રજવાડોના વિચારો આજેય ભારત દેશમાં ભારતની સાચી તસવીર રજૂ કરી રહ્યા છે.