January 10, 2025

ધાનેરાને બનાસકાંઠામાં રાખવા ધરણાં પ્રદર્શન, નેતા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, ત્યારથી ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માગ સાથે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ધાનેરાના અપક્ષ ધારસભ્ય માવજી દેસાઈ જોડાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરીને થરાદ-વાવ અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે. ત્યારથી ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં વિરોધ શરૂ થયો છે. છેલ્લા નવ દિવસથી ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને કાંકરેજને રાખવાની માગ સાથે વિરોધ થઈ રહ્યો છે. જ્યારે દિયોદરના લોકો દિયોદરને મુખ્ય મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવા માગ કરી રહ્યા છે.

ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે ધરણાં કાર્યકમ યોજાયો હતો. જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારસભ્ય મફતલાલ પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય નથાભાઈ પટેલ સાહિત ભાજપ-કોંગ્રેસના કાર્યક્રતાઓ સાથે વિવિધ સંસ્થાના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ધાનેરાના ધરણાં કાર્યકર્મમાં ‘બટેંગે તો કટેંગે’નું સૂત્ર પણ ચર્ચાઓ વિષય બન્યો હતો. લોકોને નેતાઓની વાતમાં આવ્યા વગર ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે લડત લડવા કોગ્રેસ કાર્યકરી પ્રમુખ ડમરાજી રાજગોરે હાકલ કરી હતી. ધાનેરામાં હિત રક્ષક સમિતિ ધાનેરા દ્વારા ધાનેરા તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની માગ સાથે ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણાં બાદ ચીમકી ઉચ્ચારી હતી કે, જો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં નહીં આવે તો ધાનેરાના લોકો ટ્રેકટરો લઈને ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવ કરશે.