બે ડોક્ટરોએ કરોડોની લાલચમાં આવીને 51 લાખ ગુમાવ્યાં
બનાસકાંઠાઃ દિવસેને દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બે તબીબો સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે અને તેમણે મોટી રકમ ગુમાવી છે. કરોડો રૂપિયાની લાલચમાં આવીને બંને ડોક્ટરોએ કુલ 51 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, અજાણ્યા શખ્સોએ વોટ્સએપ ગ્રુપમાં જોડી નાણાંનું રોકાણ કરાવ્યું હતું. એક ડોક્ટરને ઓનલાઇન ટ્રેડિંગમાં એક કરોડની લાલચ આપવામાં આવી હતી. તેની રાહે બીજા તબીબે પણ મોટું રોકાણ કર્યું હતું. ઓનલાઇન કંપનીમાં રોકાણ કરીને કરોડો રૂપિયાનું પ્રોફિટ બતાવવામાં આવ્યું હતું. તેને લઈને બંને તબીબ લલચાઈ ગયા હતા. ડોક્ટર હિરેન પટેલે 42 લાખ રૂપિયા અને ડોક્ટર બિમલ બારોટે 8 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
ત્યારબાદ રૂપિયાનું રોકાણ કર્યા પછી પ્રોફિટના નાણા ઉપાડી શકાયા નહોતા. નાણાં ન ઉપડતા બંને ડોક્ટરોની આંખો ઉઘડી હતી અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે બંને ડોક્ટરોએ આ મામલે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.