પાકિસ્તાનમાં હિંસક વિરોધ પ્રદર્શન, ઈમરાનના 4 હજાર સમર્થકોની ધરપકડ

Pakistan: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં 24 નવેમ્બરે રાજધાની ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ વિરોધને રોકવા માટે સરકારે પોલીસ દળો તૈનાત કર્યા હતા. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન પોલીસે 4 હજારથી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. આ વિરોધ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ માટે કરવામાં આવ્યો હતો.
પંજાબ પ્રાંતના સુરક્ષા અધિકારી શાહિદ નવાઝે સમર્થકોની ધરપકડની પુષ્ટિ કરી હતી. જેમાં પાંચ સાંસદો પણ સામેલ હતા. આ પ્રદર્શનને રોકવા માટે સરકારે અનેક પગલાં લીધાં. સત્તાવાળાઓએ ઈસ્લામાબાદને શિપિંગ કન્ટેનરથી સીલ કરી દીધું હતું અને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પીટીઆઈના ગઢ સાથે શહેરને જોડતા મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા.
આ પણ વાંચો: ઇસ્કોન-આંબલી રોડ પર નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો, અનેક વાહનો અડફેટે લીધા
ઈમરાન ખાને પ્રદર્શનની જાહેરાત કરી હતી
પીટીઆઈ પાર્ટીના ભૂતપૂર્વ વડા ઈમરાન ખાને 13 નવેમ્બરે આ વિરોધની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ગુલામીની બેડીઓ તોડવા માટેનો વિરોધ છે. પીટીઆઈ પાર્ટી સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. જેથી તેમના જેલમાં બંધ નેતાઓને મુક્ત કરવામાં આવે. ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી 150 થી વધુ કેસમાં જેલમાં છે, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો 25 થી 27 નવેમ્બર સુધી પાકિસ્તાનના પ્રવાસે છે. 24 નવેમ્બરે તેમના પ્રતિનિધિમંડળના 80 લોકો દેશ પહોંચ્યા હતા. આ કારણે પાકિસ્તાન સરકારે પીટીઆઈના આ વિરોધને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા.