March 21, 2025

બનાસકાંઠામાં 20 ફૂટના અંતરે આવેલા 2 ગામના ધારાસભ્ય અને સાંસદ અલગ અલગ, પરિણામે વિકાસ અટક્યો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠાના એવા બે ગામ કે જે માત્ર 20 ફૂટના અંતરે આવેલા છે. ત્યારે આ બે ગામની કમનસીબીએ છે કે બે ધારાસભ્ય અલગ લાગે છે અને બે સંસદ સભ્ય પણ અલગ લાગે છે અને આના કારણે ગામનો વિકાસ અટક્યો છે. ગ્રુપ ગ્રામ પંચાયત હોવા છતાં ધારાસભ્યો અને સંસદ સભ્યોના ગજગ્રાહમાં આ બંને ગામો આજે પણ સુવિધાથી વંચિત છે. લોકો કહી રહ્યા છે નેતાઓને વોટ જોઈતા હોય તો મફત આપી દઈએ, પરંતુ અમારા ગામ સાથે રાજકારણ શા માટે ગામ લોકો આને માટે નેતાઓને જ જવાબદાર ગણાવી રહ્યા છે.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુંપર અને ભાટવડી ગામની આ વાત છે. આ બંને ગામ વચ્ચે માત્ર એક રસ્તો એટલે કે 20 ફૂટનું જ અંતર છે. આ બંને ગામની ગ્રુપ ગ્રામ પંચાયત છે. જોકે આટલા નજીકમાં ગામ હોય અને ગ્રુપ ગ્રામ પંચાયત હોય બે ધારાસભ્યને બે સંસદ સભ્ય હોય તો આ ગામનો વિકાસ થવો જોઈએ, પરંતુ રાજકારણના આટાપાટામાં આ ગામનો વિકાસ થયો નથી. રોડ-રસ્તા, પાણી, કચરો, ઉભરાતી ગટરો તમામ આ ગામની સમસ્યાઓ છે અને જેને કારણે લોકો હવે તેમને ચૂંટેલા નેતાઓ પ્રત્યે નફરત કરી રહ્યા છે. ગ્રામજનો કહી રહ્યા છે કે આ નેતાઓને કારણે જ અમારા બંને ગામ વિકાસથી વંચિત છે.

પાલનપુર તાલુકાનું કુંપર ગામ એ વડગામ તાલુકામાં લાગે છે એટલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લાગે છે અને પાટણ લોકસભા લાગે છે એટલે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી લાગે છે. કુંપર ગામ માટે ધારાસભ્ય કોંગ્રેસના છે અને સંસદ સભ્ય ભાજપના છે. તો ભાટવડી ગામ પાલનપુર તાલુકામાં લાગે છે જેના ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાકર છે અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર છે. એટલે હવે ભાજપ અને કોંગ્રેસ જ્યારે ગામના વિકાસની ગ્રાન્ટની વાત આવે એટલે પેલો ધારાસભ્ય આપશે અથવા પેલો સંસદ સભ્ય આપશે. પાલનપુરનો ધારાસભ્ય આપશે કે વડગામનો ધારાસભ્ય આપશે. બનાસકાંઠાનું સંસદ સભ્ય આપશે કે પાટણનું સંસદ સભ્ય આપશે. આમ આ સંસદ સભ્યોની લડાઈ વચ્ચે તંત્ર તો અટવાયું છે સાથે સાથે ગ્રામજનોની મુશ્કેલીઓનો પાર નથી. એટલે તેમનું કહેવું છે કે આવા નેતાઓ માત્ર મત લેવા આવે છે અને મત લઈ ગયા પછી મોઢું પણ બતાવતા નથી. આ તમામ કારણોને ગામ લોકો આ નેતાઓને જવાબદાર ગણાવી રહ્યા છે.

કુંપર અને ભાટવડી આ ગામ 20 ફૂટના અંતરે છે તો કયા સમીકરણો અને કયા સીમાંકનને આધારે તેઓએ આ સીમાંકન બનાવ્યું અને તંત્રની ભૂલ છે કે આવા સીમાંકનને કારણે આ બે ગામો વિકાસથી વંચિત છે. એટલે માત્ર વોટ માટે સીમાંકન કરી દીધું છે અને કુંપર અને ભાટવડી ગ્રામજનોની મુશ્કેલીઓ માટે જવાબદાર છે. વહીવટી તંત્ર સરકાર અને નેતાઓ ત્યારે સવાલ એ છે કે અટવાયેલા આ કૂંપર અને ભાટવડી ગામોનો વિકાસ ક્યારે થશે.