November 23, 2024

ગિફ્ટ સિટીમાં ખુલ્યું ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટી

ગાંધીનગર: ગાંધીનગર ખાતે હાલ વાઇબ્રન્ટ સમિટ શરૂ છે જેમાં આ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી ઉદ્યોગપતિઓ અને રોકાણકારોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે જેનો ફાયદો ગુજરાતને થઇ રહ્યો છે. પીએમ મોદીના આ પ્રોજેક્ટને કારણે ભારત સહિત ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે. આ સમિટમાં આવેલા રોકાણકારો ગુજરાતમાં અબજો રૂપિયાનું રોકાણ કરશે તેવી જાહેરત કરી રહ્યાં છે અને આજે ગુજરાતના ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટીએ તેનું પહેલું કેમ્પસ ખોલ્યું છે. ભારતમાં કેમ્પસ ખોલનારી આ પહેલી વિદેશી યુનિવર્સિટી છે. ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ઑસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટી શાખાના કેમ્પસના ઉદ્ઘાટનને બિરદાવ્યું હતું. બીજી બાજુ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે જણાવ્યું હતું કે મને ખૂબ જ ગર્વ છે કે ભારતમાં કેમ્પસ સ્થાપવાની પહેલી યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાં આવેલી ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટી છે. આ ઓસ્ટ્રેલિયા અને ભારત શિક્ષણ સંબંધોમાં એક નવો અધ્યાય છે. આ યુનિવર્સિટી સ્થાપવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને લાભ મળશે.

ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડેકિન યુનિવર્સિટીની સાથે સાથે બીજી એક યુનિવર્સિટીની પણ સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની આ બે યુનિવર્સિટીથી વૈશ્વિક શિક્ષણને શિખવાની તકો વિદ્યાર્થીઓને મળશે. માહિતી અનુસાર ડેકિન યુનિવર્સિટી યુનિવર્સિટી આ વર્ષે જુલાઈ ૨૦૨૪થી માસ્ટર ઓફ બિઝનેસ એનાલિટિક્સ અને માસ્ટર ઓફ સાયબર સિક્યોરિટી (પ્રોફેશનલ) માટે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઓફર કરવાનું શરૂ કરશે. ભારતમાં ડેકિન યુનિવર્સિટીનું કેમ્પસ શરૂ થવાથી ભારતીય વિદ્યાર્થીઓ હવે ઘર છોડ્યા વિના ઓસ્ટ્રેલિયન શિક્ષણનો લાભ લઈ શકશે. ગિફ્ટ સિટીમાં ડેકિન યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેર, ઓસ્ટ્રેલિયાના કૌશલ્ય અને તાલીમ મંત્રી બ્રેન્ડન ઓ’કોનોર, ડેકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર આયન માર્ટિન વાઇસ ચાન્સેલર, પ્રોફેસર પેટ્રિશિયા ડેવિડસન અને  વાઇસ ચાન્સેલર હાજર રહ્યા હતા. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મળેલી આ બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી વિશે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રેએ જણાવ્યુ હતુ કે, ‘ગિફ્ટ સિટીમાં આઇએફએસસીમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના કેમ્પસની સ્થાપના ભારતના ઇન્ટરનેશનલ એજ્યુકેશન લેન્ડસ્કેપ માટે એક આશાસ્પદ યુગનો પ્રારંભ છે. અમે સમૃદ્ધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા ઇચ્છીએ છીએ.

આ પણ વાંચો :  રોડ શો, ગ્લોબલ ટ્રેડ શો અને મોદી મોદી…