May 20, 2024

નવસારીમાં 207 જેટલા કઠોર તપ કરનાર જૈન તપસ્વીઓ આવતી કાલે જેનાચાર્યના હસ્તે પારણા કરશે

જીગર નાયક, નવસારી:  જૈન શાસ્ત્રોમાં તપનું આગવું મહત્ત્વ છે. પ્રભુ મહાવીર કહે છે તેમ તપસ્યા એટલે કર્મો બાળવાની ભઠ્ઠી. જૈન ધર્મમાં તપ કરવાનો મુખ્ય આશય કર્મક્ષય જ હોય છે. તેથી વર્ષીતપની આરાધના પણ કર્મક્ષયનું અમોધ સાધન છે અને તે પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુએ કરેલી હોવાથી તેમના તીર્થક્ષેત્રમાં જઇ તેનો પ્રારંભ કરવામાં આવે છે અથવા તો પૂર્ણાહુતિ અર્થાત્ પારણું કરવામાં આવે છે. વર્ષી તપ એટલે 13 મહિના સુધી કરાતું વ્રત, જેનો પ્રારંભ ફાગણ વદ આઠમ (આ વર્ષે 15 માર્ચ)ના રોજ થાય છે, અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ – અક્ષય તૃતિયાના રોજ પૂર્ણાહૂતિ થાય છે. નવસારી શહેરમાં પણ 207 જેટલા જૈન તપસ્વીઓએ કઠોર તપ કરીને આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે જૈન સમાજના ગુરુના હસ્તે પારણા કરશે.જે અગાઉ આજે 52 જિનાલય ખાતેથી એક ભવ્ય શોભાયાત્રા શહેરમાં ફરીને જૈન સમાજના અગ્રણી અને મહિલા પુરુષોએ તપસ્વીઓને અનુમોદન આપ્યું હતું.

જૈન પરંપરાના ઇતિહાસ અનુસાર અસંખ્ય વર્ષોપૂર્વે વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથે સર્વપ્રથમ દીક્ષા લીધી અને સાધુપણાના આચાર પ્રમાણે બે દિવસના ઉપવાસ બાદ દિવસમાં ફક્ત એક જ વાર મધ્યાહન કાળે ભિક્ષા લેવા માટે તે સમયના ગૃહસ્થોના ઘરે જવા લાગ્યા, પરંતુ તે કાળના ગૃહસ્થોને ભિક્ષા કોને કહેવાય? અને ભિક્ષા આપવાથી કેવું પુણ્યકર્મ બંધાય? તે સંબંધી કોઈ જ્ઞાન ન હોવાના કારણે આદિનાથ પ્રભુને કોઈ જ ગૃહસ્થ રાંધેલ અન્ન વહોરાવતું નથી. વળી, સાધુપણાના આચાર પ્રમાણે પ્રભુ તે સંબંધી કોઈને સૂચન પણ કરી શકે તેમ ન હોવાથી સ્વાભાવિક જ નિર્દોષ આહારની શોધ કરવા પ્રભુ દરરોજ મધ્યાહન કાળે ગોચરી જાય છે, પરંતુ પૂર્વ ભવના અંતરાય કર્મના ઉદયના કારણે દીક્ષા પછી 400 દિવસ સુધી પ્રભુને કોઈ જ આહાર તથા અચિત્ત પાણી પણ વહોરાવતું નથી.

આદિનાથ પ્રભુએ કરેલા ઉપવાસની વિશિષ્ટતા એ હતી કે તેઓએ બધા જ ઉપવાસ નિર્જળા એટલે કે પાણી વગરના કર્યા હતા. મતલબ કે 400 દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધું નહોતું. કદાચ અત્યારનું વિજ્ઞાન આ માનવા કે સ્વીકારવા તૈયાર ન થાય પરંતુ કોઈ માને કે ન માને, કોઈ સ્વીકારે ન સ્વીકારે તેથી વાસ્તવિકતા મટી જતી નથી. આજે પણ સળંગ આઠ-દશ દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધા વગર સંપૂર્ણ ચૌવિહાર ઉપવાસ કરનારા અનેક જૈનો છે.

તપ કરવા માટે મન અને શરીર બંનેને કેળવવા પડે છે અને બંને જો કેળવાઈ જાય એટલે કે તૈયાર થઈ જાય તો કોઈ પણ જાતની મુશ્કેલી વિના તપ થઈ શકે છે. આદિનાથ પ્રભુએ ગુજરાતી ફાગણ માસની વદ પખવાડિયાની આઠમને દિવસે (આ વર્ષે 15 માર્ચ) દીક્ષા લીધી. તેના આગલા દિવસે પણ તેઓએ ઉપવાસ કરેલો અને ત્યાર પછીના ત્રીજે દિવસે એટલે કે બે ઉપવાસ પછીના દિવસે ગોચરી લેવા વિનિતાનગરીમાં ગયા હતા. તેથી આજે પણ વર્ષીતપનો પ્રારંભ કરનારા ફાગણ વદ સાતમ-આઠમનો છઠ્ઠ અર્થાત્ બે ઉપવાસ કરીને કરે છે.