November 22, 2024

PM મોદીના ભાષણમાં છેડછાડ કરનાર આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવા એક ટ્રક ડ્રાઈવર સાયબર ગુનેગાર બની ગયો છે. આ ગુનેગારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્પીચમાં છેડછાડ કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા જ સાયબર ક્રાઇમની ટીમે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. જે બાદ આરોપી મહેન્દ્ર ડોડીયા હાલ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં આવી ગયો છે.

આરોપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમા અનામતને લઈ આપેલા ભાષણમાં છેડછાડ કરી હતી અને આ બનાવટી વિડીયો વાયરલ કર્યો હતો. અનામતના મુદ્દાને ગેરમાર્ગે દોરી અને વાતાવરણને તંગ કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયોની જાણ સાયબર ક્રાઈમને થતા આરોપી મહેન્દ્ર ડોડીયાની ઓઢવથી ધરપકડ કરી છે.

સમાજમાં તેનું વર્ચસ્વ ઉભુ થાય તે ઇરાદો હતો
સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એમ.ભૂવાએ જણાવ્યું કે પકડાયેલ આરોપી મહેન્દ્ર ડોડીયા ઓઢવનો રહેવાસી છે અને ટ્રક ડ્રાઇવર છે, તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણીમાં આરોપી મહેન્દ્ર ડોડીયાએ દસ્ક્રોઇ વોર્ડની આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી પરંતુ તેને ટિકિટ મળી ન હતી, પરંતુ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેને કોઇ પણ પાર્ટીની ટિકિટ મળે અને સમાજમાં તેનું વર્ચસ્વ ઉભુ થાય તે ઇરાદે આરોપી મહેન્દ્રએ વડાપ્રધાનને બદનામ કરવા માટે સંસદની સ્પીચને છેડછાડ કરી અનામતનો વિડીયો વાયરલ કર્યો હતો.

સરકારની છબી ખરડાય તેવું કૃત્ય કરતા આરોપી મહેન્દ્રની સાયબર ક્રાઈમ ધરપકડ કરીને તેનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પીઆઇએ કહ્યું કે આરોપી એ રાજકીય લાભ મેળવવાના હેતુથી અને દેશમાં અનામત મેળવી જુદી જુદી જ્ઞાતિ અને વર્ગના લોકોને દુષપ્રેરિત કરવાના ઇરાદાથી આ વિડ્યો વાયરલ કર્યો હોવાની કબૂલાત કરી છે, આ ઉપરાંત આરોપીની સાથે સાથે અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.