મોડાસામાં મૂકેલા વોટર ATM બંધ, લોકોની ફરી શરૂ કરવા માટે માગ

સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં અંદાજે ચાર વર્ષ પહેલા મોડાસા ચાર રસ્તા અને ઓધારી તળાવ પાસે લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. હાલ આ એટીએમ બંધ હાલતમાં છે. ત્યારે સ્થાનિક તેમજ લોકોની માગ છે કે, આ વોટર એટીએમ શરૂ કરવામાં આવે.

અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં આવતા આસપાસના ગામડાના લોકો અને શહેરના જરૂરિયાતમંદ લોકોને પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે શહેરના ચાર રસ્તા ઉપર અને માલપુર રોડ ઉપર ઓધારી તળાવ પાસે નગરપાલિકા દ્વારા વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ એટીએમ યોગ્ય મેનેજમેન્ટના અભાવે છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઈ રહ્યું છે.

ચાર વર્ષ અગાઉ મોડાસા નગરપાલિકા દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર અને માલપુર રોડ ઉપર ઓધારી તળાવ મળી લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. ચાર રસ્તા ઉપરના નાના ધંધા રોજગારવાળા અને શ્રમિકોમાં તેમજ આસપાસના ગામડામાંથી મોડાસા શહેરમાં આવતા લોકોમાં આનંદની લહેર છવાઈ હતી. જો કે, ત્યારબાદ થોડા સમયમાં વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન છે. હાલ આ એટીએમ ધૂળ ખાઈ રહ્યા છે.