સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ પર દરોડા, 300 કરોડથી વધુની વસૂલાત શરૂ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી પુષ્કળ પ્રમાણમાં થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન-મુળી પંથકમાંથી ગેરકાયદેસર 400થી વધુ કાર્બોસેલના કૂવા અને ખનીજ ચોરી ઝડપી પાડી છે. જ્યારે ખનીજચોરોને 300 કરોડથી વધુ વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેમાં થાન તાલુકાના કાર્બોસેલ, સાયલા તાલુકામાં બ્લેક ટ્રેપ અને મુળી તાલુકામાં સફેદ માટી તેમજ કાર્બોસેલ મોટાપાયે ખનીજચોરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મુળી અને થાન પંથકના ખાનગી જગ્યાઓ તેમજ સરદાર સરકારી ખરાબમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થાય છે તેવી જાણ થઈ હતી. ત્યારે ચોટીલા પ્રાંત, મૂળી મામલતદાર અને થાન મામલતદાર સહિતની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉમરડા ગામે નવ કુવાઓ અને 300 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો ઝડપી અને થાન મામલતદાર કચેરી સિઝ કરવામાં આવ્યો છે. 200થી વધુ પરપ્રાંતિય મજૂરોને સમજાવી અને તેમના વતન પરત કરવામાં આવ્યા છે. અભેપર ગામના તળાવ પાસે પડતર જમીનમાં સફેદ માટેનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડી ખનન માટે વપરાતા jcb ટ્રેક્ટર ટોલી સહિત 1.25 કરોડનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો છે.
જામવાડી અને ભડુલા વિસ્તાર સહિત મુળી પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલના 400થી વધુ કુવાઓ ઝડપી પાડી કરોડો રૂપિયાના કાર્બોસેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. 11 કાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ખનીજ માફિયાઓ સામે 300 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી રહી છે. જો ખનીજ માફીયા વસૂલાતની રકમ ન ભરે તો તેમની સ્થાવર અને જંગમ મિલકતોની હરાજી કરી વસુલાત કરવામાં આવશે. તેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
તેમજ તંત્ર દ્વારા જમીનમાલિકો ગેરકાયદેસર તેમની જમીન પર ખનીજ ચોરી કરતા જણાય આવતા તેમની સામે શ્રી સરકાર ખાલસા કરવા દંડ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ત્યારે ચોટીલા પ્રાંત અને નાયબ કલેકટર એચટી મકવાણા દ્વારા સમગ્ર પંથકના કાર્યવાહી કરતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.