અરવલ્લીમાં મગફળીના બિયારણની અછત, અનેક ખેડૂતો ચિંતામાં
સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ બાદ ખેડૂતોએ વાવણી શરૂઆત કરી છે. ત્યારે મગફળીનું ગુણવત્તાસભર બિયારણ ક્રાંતિ 24ની અછત સર્જાતા ખેડૂતોએ બીજા પાકનું વાવેતર કરવાની ફરજ પડી રહી છે.
અરવલ્લી જિલ્લામાં ચોમાસું ખેતી માટે ખેડૂતોએ તૈયારીઓ પૂર્ણ કરી રાખી હતી. જેને લઈને ખેડૂતોએ 6 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ બાદ વાવણીની શરૂઆત કરી છે. ખેડૂતો દ્વારા મગફળીનું 19845 હજાર હેક્ટર, સોયાબીનનું 13427 હેક્ટર , કપાસનું 13427 હેક્ટર તેમજ મકાઈનું 4241 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. હજુ પણ અનેક ખેડૂતો દ્વારા વાવેતર કરવાનું બાકી છે. જિલ્લામાં મગફળીનું 24 નંબરનું ક્રાંતિ બિયારણ સૌથી વધુ વાવેતર થાય છે. જેનું કારણ તેની ગુણવત્તા અને ઉત્પાદન છે. આ સંજોગોમાં જિલ્લામાં હાલ મગફળીનું ક્રાંતિ 24 બિયારણની અછત જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ દ્વારકામાં જમીન બાબતે સગા દીકરાએ બાપને મોતને ઘાટ ઉતાર્યો
મોડાસા તાલુકાના જીતપુર ગામના ખેડૂત દિનેશભાઈ પટેલ વહેલી સવારથી અલગ અલગ દુકાનોના ચક્કર લગાવી રહ્યા છે. મોડાસા શહેર બાદ ગ્રામીણ વિસ્તારની બિયારણની દુકાનોમાં બિયારણ માટે ફરી રહ્યા છે. અંદાજિત જિલ્લામાં 1 લાખ હેક્ટરમાં વાવેતર મગફળીનું થતું હોય છે. ત્યારે દિનેશભાઈ જેવા ખેડૂતો સારા મગફળીના બિયારણ માટે રાહ જોઈ થાક્યા છે.
આ પણ વાંચોઃ આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર? વરસાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી
મગફળી માટે 24 નંબરનું ક્રાંતિ બિયારણ તેઓ દર વર્ષે વાવેતર કરે છે, જેનું તેમને સારું ઉત્પાદન અને ભાવ બજારમાં સારો મળે છે. હવે તેઓ ચિંતામાં છે કે, ક્યાંક ખેતી માટે પાક બદલવો ન પડે. આ જ પ્રકારે અનેક ખેડૂતોના ખેતરો વાવેતર વગર ખાલી જોવા મળી રહ્યા છે. ખેડૂતોને બિયારણ અછતના કારણે સોયાબીન, કપાસ, મકાઈના પાકનું વાવેતર કરવાની ફરજ પડે તો નવાઈ નહીં.