બોર્ડના વિદ્યાર્થીઓ માટે અમરેલી પોલીસ બની દેવદૂત, જાણો 3 કિસ્સા
અમરેલીઃ જિલ્લા પોલીસ વિદ્યાર્થીઓની વ્હારે આવી હતી અને જિલ્લામાં SSCના પેપર સમયે હેરાન પરેશાન થતા વિદ્યાર્થીઓ માટે પોલીસ દેવદૂત બની હતી અને સાવરકુંડલાના ખાલપર ગામેથી ચાલીને આવતા વિદ્યાર્થીઓને પોલીસે વંડા પરીક્ષા કેન્દ્ર સુધી પહોચતા કર્યા હતા.
આ ઉપરાંત ખાંભાના ત્રાકુડામાં પરીક્ષા કેન્દ્ર હોવા છતાં ભૂલથી ડેડાણ ગામે પહોંચેલા વિદ્યાર્થીઓને ખાંભા પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. તેવી જ રીતે રાજુલામાં પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓને પોલીસ સહાયક બની હતી અને કેન્દ્ર સુધી પહોંચાડયા હતા. અમરેલી પોલીસ ટીમ સરકારી વાહનમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી ખરા અર્થમાં પોલીસ દેવદૂત સાબિત થઈ હતી.
રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
રાજ્યભરમાં 9.17 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1.31 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.89 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે જ આગામી 31મી માર્ચે ગુજકેટની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1.37 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે.
રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર 31 માર્ચે સવારે 10થી 4 દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે. રાજ્યમાં 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપશે. અમદાવાદ જિલ્લામાં કુલ 1.79 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સાબરમતી જેલમાં ધોરણ 10ના 27 અને ધોરણ 12ના 28 વિદ્યાથીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષાકેન્દ્ર પર પહોંચે તે માટે STના વિશેષ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગેરરીતિ કરનારા દોષિતને 3 વર્ષથી 5 વર્ષની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષા સમયે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે. PATA એપ દ્વારા પ્રશ્નપત્રની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધી ટ્રેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.