દરિયાઈ વિસ્તારમાં મીઠા પાણીમાં થાય છે નાગરવેલના પાનની અનોખી ખેતી!
રાજેશ ભજગોતર, ગીર-સોમનાથઃ સમુદ્રની ઠંડી લહેરો અને નાળિયેરીનાં ઘટાદાર વૃક્ષોથી શોભતા કુદરતી સોંદર્યને કારણે ચોરવાડ વિસ્તારને લીલી નાઘેર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તારની જમીન અતિફળદ્રુપ હોવાથી અહિંયા નાળીયેરી, ત્રાડ તેમજ નાગરવેલની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેતીની શરૂઆત જૂનાગઢના નવાબ દ્વારા શરૂ કરવામાં આવી છે તેમ માનવામાં આવે છે. જૂનાગઢના નવાબ પણ ત્રણથી ચાર મહિના ચોરવાડ આવીને રહેતા હતા. કારણ કે તેઓ પાન ખાવાના શોખીન હતા. તંબોલી લોકોને ચોરવાડ લાવીને નાગરવેલની ખેતી શરૂ કરાવી હતી.
નાગરવેલનો ઉછેર મીઠા પાણી વિસ્તારોમાં થઈ શકે છે. જેમાં ચોરવાડ વિસ્તાર દરીયાઈ કિનારે વસતો હોવા છતાં અહીંના મીઠા પાણી અને મોટા પ્રમાણામાં નાળિયેરીનો ઓથ હોવાને કારણે તેનો ઉછેર શક્ય બન્યો છે. જેમાં નાગરવેલના ઉછેર માટે પ્રથમ અગથિયા વાવવામાં આવે છે. ત્યારબાદ તેમની બાજુમાં નાગરવેલનાં રોપ સોંપવામાં આવે છે. રોપ વાવ્યાબાદ એકથી દોઢ વર્ષ પછી તેમને ઉતારવામાં આવે છે. હાલ ચોરવાડમાં કલકતી પાન, કાળા પાન, કપૂરી(ધોરા) પાન, ચોરવાડી બંગલો સહિતના નાગરવેલનાં પાનોનો ઉછેર કરવામાં આવે છે.
ત્યારબાદ નાગરવેલની ખેતી વૃદ્ધિ પામતા તેમના પાનની રાષ્ટ્રકક્ષાએ નિકાસ કરવામાં આવે છે. જેમાં ગુજરાત તેમજ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોનાં વિવિધ શહેરોમાં દરરોજ અંદાજે 20 લાખથી વધુ પાનનો નિકાસ કરવામાં આવે છે. ખેડૂતને 2000 નાગરવેલનાં પાનનાં 1000 રૂપિયા મળી રહ્યાં છે. એટલે કે 50 પૈસાનું એક પાન વેચાઈ રહ્યું છે તેમજ નાગરવેલનાં પાન રોજ ઉતારી શકાય છે.
આ અંગે ખેડૂત કહે છે કે, ‘અમે વર્ષોથી પાનની ખેતી કરીએ છીએ. અમારા વિસ્તારમાં ખેડૂતો પાસે ટૂંકી જમીન હોવાથી અમે લોકો વર્ષોથી પાનની ખેતી કરીએ છીએ અને તેમાંથી અમને ખૂબ જ મોટી ઇન્કમ પણ મળી રહી છે. અમારી વાડીથી સીધા જ વેપારીઓ બજારો સુધી લઈ જાય છે અને તે પણ ખૂબ ઊંચા ભાવે વેચે છે. આ ખેતીમાં ખૂબ જ મહેનત લાગે છે. જો વચ્ચે જો કોઈ રોગ આવે તો પાન સૂકાઈ જાય છે અથવા બળી જાય છે. આજે પાનની દુકાને વિવિધ પાન મળે છે. નાના બાળકોથી લઇને મોટેરા ખાઈ શકે તેવા પાન મળે છે.’
તેઓ વધુમાં કહે છે કે, ‘નાગરવેલના પાન ગુજરાતમાં માત્ર ચોરવાડ વિસ્તારમાં જ થાય છે. નાગરવેલનાં પાનની ખેતી મહેતન માંગી લે છે. દરેક ખેડૂતો નાગરવેલની ખેતી કરી શકતા નથી. નાગરવેલની ખેતી પહેલા અગતિયાનાં છોડનું વાવેતર કરવામાં આવે છે. અગતિયાનાં છોડ મોટા થયા બાદ નાગરવેલનું વાવેતર કરવામાં આવે છે. આ બાદ કેળનાં રેસા સૂકવી તેને બાંધી દેવામાં આવે છે. આ રેસા ઉપર નાગરવેલનાં વેલા ચડી જાય છે.’
આગળ જણવતા ખેડૂત કહે છે કે, ‘ત્યારબાદ અમુક ઉંચાઈએ ગયા બાદ વેલાની ફરી જમીન તરફ વાળવામાં આવે છે. આ વેલો જમીન પર પહોંચે એટલે ફરી જમીનમાં વાવી દેવામાં આવે છે. તેમજ અગતિયાનાં છોડ સિવાય અન્ય વૃક્ષ સાથે નાગરવેલની ખેતી થતી નથી. ચોમાસા પહેલાં અગતિયાનાં છોડ વાવી દેવામાં આવે છે. બાદમાં નાગરવેલનું વાવેતર થાય છે. વાવેતરનાં છ મહિના પછી નાગરવેલનાં પાન ઉતારવાની શરૂઆત થાય છે. નાગરવેલની ખેતી પાછળ ખર્ચ થાય છે. એક વીઘામાં વાવેતર કર્યું હોય તો તેની પાછળ રૂપિયા 20 હજારથી વધુ મજુરી સહિતનો ખર્ચ થાય છે.’