October 14, 2024

પાકિસ્તાની પરમાણુ બોમ્બની ચર્ચા વચ્ચે અમિત શાહે PoK મુદ્દે આપ્યો વળતો જવાબ

Lok Sabha Election 2024: આજે શુક્રવારે (10 મે) ઝારખંડના ખુંટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે મણિશંકર ઐયર અમને ધમકી આપી રહ્યા છે, તેઓ અમને પાકિસ્તાનનું સન્માન કરવા કહી રહ્યા છે કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. અમિત શાહે કહ્યું કે, થોડા દિવસો પહેલા ફારૂક અબ્દુલ્લાએ અમને કહ્યું હતું કે પીઓકે વિશે વાત ન કરો, કારણ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું, ‘આજે હું INDI ગઠબંધનના નેતાઓને કહેવા માંગુ છું કે PoK ભારતનું છે અને તેને કોઈ અમારી પાસેથી છીનવી શકે નહીં. પીઓકેના ભારતમાં વિલીનીકરણની વાત કરવાને બદલે કોંગ્રેસ અમને પરમાણુ બોમ્બની ધમકી આપે છે. અમારી સંસદે બહુમતી સાથે ઠરાવ પસાર કર્યો છે કે PoK ભારતનો ભાગ છે. તે સ્પષ્ટ છે કે PoKમાં દરેક ઇંચ જમીન ભારતની છે.’

PoKની દરેક ઇંચ જમીન ભારતની છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાનથી પીઓકે લાવવાને બદલે કોંગ્રેસ એટમ બોમ્બની વાત કરીને ભારતના લોકોને ડરાવી રહી છે. કોંગ્રેસને શું થઇ ગયું છે તે ખબર નથી. શાહે કહ્યું કે ભાજપનું વલણ સ્પષ્ટ છે કે PoKની દરેક ઇંચ જમીન ભારતની છે અને ભારતમાં જ રહેવી જોઈએ.

કોંગ્રેસે વર્ષોથી ઝારખંડનું નિર્માણ અટકાવ્યું હતું.
રેલીને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે જેએમએમ પર પ્રહાર કરતા કહ્યું કે હું ઝારખંડ મુક્તિ મોરચાને કહેવા માંગુ છું કે તમે જેની સાથે સત્તા મેળવવા બેઠા છો તે કોંગ્રેસે વર્ષોથી ઝારખંડની રચના અટકાવી દીધી હતી. તેમણે કહ્યું કે જ્યારે અટલજી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ઝારખંડને બનાવવા અને આગળ વધારવાનું કામ કર્યું હતું. અટલજીએ ઝારખંડ બનાવ્યું અને મોદીજી ઝારખંડને સુંદર બનાવવાનું કામ કરી રહ્યા છે.

કોંગ્રેસ સાંસદના ઘરેથી 350 કરોડ રૂપિયાની રોકડ મળી: અમિત શાહ
કોંગ્રેસ પર પ્રહાર કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના એક સાંસદના ઘરેથી 350 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ બધા પૈસા તમારા છે, મારા આદિવાસી ભાઈઓના છે, જે રાહુલ બાબાની પાર્ટીએ લૂંટી લીધા છે. તેમણે કહ્યું કે માત્ર બે દિવસ પહેલા જ ઝારખંડમાં કોંગ્રેસના એક મંત્રીના ઘરેથી 35 કરોડ રૂપિયા અને જ્વેલરી મળી આવી હતી. આ તમામ પૈસા આદિવાસી ભાઈઓ અને ઝારખંડના પછાત સમાજના લોકોના છે.