August 18, 2024

બર્મિંગહામના નાઇટ ક્લબ પર ધડાધડ ગોળીબાર; 4 લોકોનાં મોત, 9 ઇજાગ્રસ્ત

બર્મિંગહામઃ શનિવારે મોડી રાતે 11:08 વાગ્યે 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લોકમાં આવેલી એક ખાનગી નાઇટ ક્લબમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં 4 લોકોનાં મોત નીપજ્યા છે અને અંદાજે 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે.

BPDના જણાવ્યા પ્રમાણે, 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લોકમાં રાત્રે 11:08 વાગ્યાની આસપાસ એક નાઈટ ક્લબમાં ગોળીબાર થયો હોવાની જાણ અધિકારીઓને થઈ હતી. ત્યારે તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળે ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી બાજુ, એક પુખ્ત પુરૂષ, બે મહિલાઓને મૃત જાહેર કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, અંદાજે 9 જેટલા લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગોળી ચલાવવામાં આવી હતી તે મામલે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ઓફિસર ટ્રુમેન ફિટ્ઝગેરાલ્ડ કહે છે કે, અધિકારીઓનું કહેવું છે કે, એક શંકાસ્પદ વ્યક્તિએ શેરીમાંથી નાઈટ ક્લબમાં ગોળી ચલાવી હતી. હાલ આ વ્યક્તિ વિશે જાણી શકાયું નથી. પરંતુ ફેડરલ એજન્સીઓ BPDને તપાસમાં મદદ કરી રહી છે.