September 20, 2024

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત

અમદાવાદઃ અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત થતા ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત વધુ ત્રણ લોકોનાં ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

બરોડાથી અમદાવાદ તરફ જતી વખતે આણંદના ચિખોદરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખાનગી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. તે સમયે હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ પોલીસ તંત્ર ટ્રાફિકને છૂટો પાડવાનો પ્રયત્ન કરી રહી છે. તો આ મામલે પણ તપાસ હાથ ધરી છે.