November 2, 2024

ગુજરાતમાં ચોમાસું વહેલું બેસશે, ચાર દિવસ કમોસમી વરસાદની આગાહીઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાનને લઈને નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘આગામી 10થી 14 મેના રોજ ઘણા ભાગોમાં ધૂળિયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કપડવંજ, નડિયાદ, ખેડા અને જંબુસરમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યા વધુ રહેશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે પવન રહેશે. તેને કારણે ગુજરાતના સરહદી વિસ્તારો અને મહારાષ્ટ્રના ભાગોમાં અસર પહોંચશે. 14થી 17મી મે સુધી ગુજરાતમાં આકરી ગરમી પડશે. ઉત્તર ગુજરાતના ભૂભાગમાં 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘પાલનપુર, ડીસા, થરાદ, ઇકબાલગઢ અને કાંકરેજમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. કચ્છ અને રાધનપુરના ભાગોમાં આકરી ગરમી પડશે. મહેસાણા, સમીર, હારીજના ભાગોમાં ધૂળનું પ્રમાણ વધારે રહેશે. કૃતિકા નક્ષત્રની અસરથી વરસાદ સારો રહેશે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે. ચોમાસું વહેલું આવશે.’

તેમણે જણાવ્યુ હતુ કે, ‘આખાત્રીજના કારણે ચોમાસુ વહેલું બેસશે. જૂનની શરૂઆતમાં અરબીસમુદ્રમાં ચક્રવાત રહેવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે. 24 મે સુધી આંદામાન નિકોબારમાં ચોમાસુ બેસી જશે.દક્ષિણ ભારતમાં પણ આ વર્ષે ચોમાસું વહેલુ આવશે. જુદા જુદા નોમ પ્રમાણે ચોમાસાનું આંકલન કરવામાં આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશિષ નક્ષત્રમાં બેસવાની શક્યતા રહેશે. તે પહેલાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થવાની શક્યતા રહેશે. આ ચોમાસાની શરૂઆતમાં જુલાઈ-ઓગષ્ટમાં સારો વરસાદ પડવાની શક્યતા રહેશે. ગુજરાતમાં 700MM કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે. દેશના ભાગોમાં 900mm વરસાદ પડવાની શક્યતા રહેશે.’