ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપો
ગીર સોમનાથ: ગીર સોમનાથની ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકા પર ભાજપના જ નેતા દ્વારા સનસનીખેજ આરોપો લગાવતા ખળભળાટ મચી ગયો છે. પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ લગાવ્યા તો કારોબારી ચેરમેને આરોપોને ફગાવ્યા હતા. જોકે આક્ષેપ પ્રતિઆક્ષેપોને લઈને હાલ તો નગરપાલિકાનું રાજકારણ ગરમાઈ ગયું છે.
વેરાવળ નગર પાલિકા પર છેલ્લા લાંબા સમયથી ભાજપનું શાસન છે. પરંતુ, આ જ પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ પાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તા રિપેરિંગ કરવાના કામોમાં ભ્રષ્ટાચાર, શહેરમાં વધી રહેલ ગંદકીનું પ્રમાણ અને સ્ટ્રીટ લાઈટનાં કામોને લઈને પાલિકા ચીફ કલેકટર અને ભાજપ પ્રદેશમાં પત્ર લખી રજૂઆત કરી છે. પૂર્વ પ્રમુખનો આ લેટર સોશિયલ મિડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. સાથે જ પિયુષ ફોફંડીએ સોશિયલ મીડિયાની અંદર પોતાનો એક વીડિયો પણ વાયરલ કર્યો છે
આ સમગ્ર મામલે વેરાવળ પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુંડીયાએ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે હજુ સુધી પિયુષભાઈની કોઈ લેખિત ફરિયાદ અમારા સુધી પહોંચી નથી. જે કામો ચાલી રહયા છે અને જે કામો ગત વર્ષે થયા છે તે તમામની અમે તપાસ કરી છે. સવાલ એ છે કે પાલિકા ચીફ ઓફિસર આ સમગ્ર મામલે તપાસનું રટણ કરતા રહ્યા. પરંતુ મગનું નામ મરી ન પાડ્યું.
વેરાવળ પાલિકાને લઈ જાણે ભાજપના જ બે જૂથ આમને સામને આવ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે, પાલિકાના કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયાએ પિયુષ ફોફંડીનાં આરોપ સામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમામ કામ દેખરેખ હેઠળ થઈ રહ્યા છે. અહી ભ્રષ્ટાચાર નથી થયો. રોડ લાઈટ અને ગંદકી સફાઈના કામ હોય તમામ નીતિ નિયમ મુજબ જ થયા છે. પિયુષભાઈએ શું કામ આવા આરોપ લગાવ્યા એ પિયુષભાઈ જ જાણે
હાલ તો ભાજપ શાસિત પાલિકાના પૂર્વ પ્રમુખે વર્તમાન પ્રમુખ અને પાલિકાની કામગીરી સામે નારાજગી દર્શાવી છે ત્યારે ચર્ચાઓ એ વેગ પકડ્યો છે કે વેરાવળ ભાજપમાં અંદરો અંદરનો ઉકળતો ચરુ હવે ધીમેધીમે બહાર આવી રહ્યો છે.