July 2, 2024

રાજ્યમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ઘટ, સરકાર ભરતી ન કરતી હોવાનો આક્ષેપ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં ન આવતા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે ત્યારે શિક્ષકોને કાયમી કરવાની માંગ સાથે DEO ને રજૂઆત કરી હતી.

રાજ્યમાં હાલ મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે સરકાર દ્વારા ભરતી ન કરતા હોવાનો આક્ષેપ જ્ઞાન સહાયકોએ કર્યો છે. સહાયકોની માંગ છે કે રાજયની બિનસરકારી અનુદાનિત તેમજ સરકારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાત્કાલિક ધોરણે કાયમી શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામા આવે તેમાં પણ કાયમી ભરતીની પસંદગીમાં જ્ઞાન સહાયકોને અગ્રિમતા આપવી જોઈએ.

આ પણ વાંચો: સમગ્ર ભારત માટે હવામાનની આગાહી, ઉત્તર-પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું

જ્ઞાન સહાયક કિરણ બારોટે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે અને રીન્યુ કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. રિન્યુની સત્તા સંચાલક મંડળને આપવામાં આવી છે, જેને કારણે અનેક જગ્યાએ સહાયકોનું શોષણ થતું હોવાનું સામે આવતા તે સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને આપવી જોઈએ અને જે શાળા અયોગ્ય રીતે જો જ્ઞાન સહાયકને રિન્યુ ના કરે તો તે શાળાને અન્ય બીજા જ્ઞાન સહાયક ન ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.

આ સાથે જ અનેક શાળાઓમાં બિન શૈક્ષણિક કામગરી આપવામાં આવે છે ત્યારે જ્ઞાન સહાયકોને બિનશૈક્ષણિક કાર્ય ન સોંપવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી છે. અનેક સ્કૂલોમાં શિક્ષકોનો પગાર સમયસર ન થતો હોવાની પણ બૂમરાણ મચે છે ત્યારે જ્ઞાન સહાયકોનું માસિક મહેતાણું નિયમિત રીતે મહિનાની 5 તારીખ સુધીમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરાઇ છે.

આ મામલે અમદાવાદનાં DEO એ જણાવ્યું હતું કે, જ્ઞાન સહાયકોની રજુઆત મળી છે પરંતુ આ મામલે નિર્ણય સરકાર કરતી હોય તે મામલે સરકાર નિર્ણય કરશે.