હવે જાહેરમાં થૂંક્યા તો પણ મેમો ઘરે પહોંચશે, જાણી લો માસ્ટર પ્લાન
દિપક સોલંકી, અમદાવાદઃ જો હવે જાહેર રસ્તા પર માત્ર ટ્રાફિક ભંગ નહીં પરંતુ થૂંકશો તો પણ મેમો ઘરે આવશે. શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા હવે આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી સજ્જ થશે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 5000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે AI ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરના તમામ સીસીટીવી કેમેરાથી પોલીસના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.
ત્રણ મહિના બાદ આ સોફ્ટવેર તૈયાર થઈ જશે અને શહેરમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરા અને કંટ્રોલરૂમ સાથે તેને જોડી દેવામાં આવશે. ત્યારબાદ શહેરમાં કોઈપણ પ્રકારના પોલીસ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા નિયમોના ભંગ બદલ નાગરિકોને દંડ કરવામાં આવશે. સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરામાં અત્યાર સુધી પોલીસના લાલ સિગ્નલ ભંગ બદલ દંડ કરવાની કાર્યવાહી અંગેનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું.
હવે સ્માર્ટ સિટી અમદાવાદમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરામાંથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ઉપયોગી કામગીરી કરવામાં આવશે. જેમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રકારના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી વિવિધ 20થી 22 જેટલા ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
આ ટેક્નોલોજી બાદ ટ્રાફિક પોલીસ શહેરમાં લાલ સિગ્નલ ભંગ, હેલ્મેટ વિના વાહન ચલાવવું, ત્રણ સવારી, સીટબેલ્ટ ન બાંધવો, રોંગ સાઈડ વગેરે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાહેરમાં થૂંકનારા, રખડતા પશુઓ, કચરો, પાણી ભરાવવું, ભારે વાહનોમાં ગ્રીન કવર કર્યા વિના મટીરીયલ લઈ જવું વગેરે અંગેની માહિતી મળી રહેશે અને ત્યારબાદ જવાબદાર તંત્ર તેની સામે દંડાત્મક કાર્યવાહી કરશે.