December 21, 2024

શીલજમાં નવજાતને ત્યજી દેનાર માતા આખરે ઝડપાઇ

મિહિર સોની, અમદાવાદ: શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસનો ભેદ ઉકેલાયો. ગ્રામ્ય પોલીસે ડોગ સ્કોડની મદદથી બાળકની માતા સુધી પહોંચી. અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપીને ત્યજી દીધું હોવાનું ખુલ્યું. ગ્રામ્ય પોલીસે બાળક અને માતા DNA ટેસ્ટ કરાવીને તપાસ શરૂ કરી.

અમદાવાદ ગ્રામ્યમાં શીલજ નજીક ઝાડી ઝાંખરાવાળા અવાવરું સ્થળે નવજાત બાળકને ત્યજી દેવાના કેસનો ભેદ ડોગ સ્કોડએ ઉકેલ્યો. ગ્રામ્ય પોલીસના ચેસર નામના ડોગએ બાળકની ત્યજી દેનાર યુવતીની સ્મેલને ટ્રેક કરીને તેને શોધી કાઢી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો શીલજ ગામમાં અવાવરું જગ્યાએ ઝાડી ઝાંખરામાં નવજાત બાળકના રડવાનો અવાજ આવતો હતો. ગામના લોકો એકઠા થયા અને બાળકને કોણ મૂકી ગયું તેની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે ગામની શ્વેતા પરમાર નામની મહિલાએ બાળકને રડતા જોયો. અને તેની હાલત ખરાબ હોવાથી શ્વેતાબેનએ બાળકનો જીવ બચાવવા પોતાના દુપટ્ટા માં બાળકને લઈને પતિ સાથે શીલજની અર્બન હોસ્પિટલમાં લઈ ગયા. અને ત્યાર બાદ સોલા સિવિલ હોસ્પિટલમા એડમિટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. નવજાત બાળકને જન્મ આપનાર માતાએ રડતો મરવા છોડ્યો તો બીજી મહિલાએ યશોદા માતા બનીને બાળકનો જીવ બચાવ્યો. ગ્રામ્ય પોલીસે બાળકનો જીવ બચાવનાર મહિલાનું સન્માન કર્યું.

શીલજમાં બાળકને ત્યજી દેવાના કેસનો ભેદ ચેસર નામના ડોગએ ઉકેલી કાઢ્યો. આ બાળક જે અવાવરું સ્થળે મળ્યો હતો ત્યારે પોલીસની ડોગ સ્કોડની ટીમ પહોંચી હતી. ઘટના સ્થળે બાળક નજીક એક દુપટ્ટો મળી આવ્યો હતો. આ દુપટ્ટાની સ્મેલના આધારે શીલજ ગામમાં ચેસર ડોગએ ટ્રેક શરૂ કર્યું. આ સ્મેલના આધારે તે જુદા જુદા સ્થળેથી 200 મીટર ની અંદર એક બંધ મકાન સુધી પહોંચ્યો. જ્યાં બાળકને જન્મ આપનાર અને ત્યજી દેનાર માતા મળી આવી. આ પ્રકારે ચેસર ડોગએ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસે તપાસ કરતા બાળકની માતા રાજેસ્થાનની છે. અને સગીરવયની હોવાની શક્યતા છે. અપરિણીત છે. અને પ્રેમ પ્રકરણમાં ગર્ભવતી થઈ હોવાથી બાળકને ત્યજી દીધું હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગ્રામ્ય પોલીસે બાળક અને માતા તેમજ પિતાના DNA ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

બાળકની માતા સગીરવયની હોવાની શકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં 317 કલમ હેઠળ બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ યુવતીને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બાળકનો પિતા કોણ છે. અને આ યુવતીના માતા -પિતા કોણ છે. તેમજ બાળકને ત્યજી દેવાના કેસમાં આ યુવતી સિવાય બીજા કોઈ ની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.