September 19, 2024

નશાની આદતમાં ગુનાખોરી આચરતા બે ઘરફોડ ચોરો આખરે થયા જેલ હવાલે

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં મણિનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. CCTV ના આધારે કુખ્યાત ઘરફોડ ચોરને ઝડપીને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસે ચોરીના સોનાના દાગીના સહિત 8.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નશો કરવા માટે ચોર બનેલા બંન્ને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.

મણિનગર પોલીસે ઘરફોડ ચોરીના આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો દેવીપૂજક અને ભરત દેવીપૂજક નામના કુખ્યાત આરોપીઓની ઘરફોડ ચોરીમાં ધરપકડ કરી છે. 20 જુલાઈના રોજ મણિનગરમાં આવેલી સુરભી એપાર્ટમેન્ટમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. મણિનગર પોલીસે CCTV ચેક કરતા આરોપી પ્રકાશ અને ભરત ચોરી કરવા માટે સોસાયટીમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. હિસ્ટ્રીશીટર એવા ગુનેગારની પોલીસે CCTV ફૂટેજથી ઓળખ કરીને શોધખોળ કરતા બંન્ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા. પોલીસે રૂ 8.70 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી.

પકડાયેલા આરોપીઓ મણિનગરના રહેવાસી છે અને ઘરફોડ, ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના અનેક ગુના આચાર્ય છે. બંન્ને આરોપી વિરુદ્ધ મણિનગર, ખોખરા, કાગડાપીઠ અને ઇસનપુરમાં ધરપકડ થઈ હતી અને પોલીસે બે વખત પાસા હેઠળ ધરપકડ કરી છે. આ આરોપી નશો કરવાની ટેવ ધરાવે છે. પાસામાંથી થોડા દિવસ પહેલા જ છૂટીને આવ્યા હતા અને પૈસાની જરૂરિયાત હોવાથી આરોપીઓએ ચોરીનો ષડયંત્ર રચી સુરભી એપાર્ટમેન્ટમાં ચોરી કરી હતી.

આ બંન્ને આરોપીઓ સોનાના દાગીના થોડા થોડા વેચાણ કરીને તેના પૈસાથી નશો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ, તે પહેલાં જ પોલીસે તેઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મણિનગર પોલીસે બંનેને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.