June 30, 2024

જૈન સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા એક વ્યક્તિની ધરપકડ, ત્રણ ફરાર

મિહિર સોની, અમદાવાદઃ જૈન સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા એક શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વીર શાસન સેવક નામના જૈન સમાજના વોટ્સએપ ગ્રુપમાં જૈન સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલા પોસ્ટના સ્ક્રિનશોટ વાયરલ થયા હતા.

ફેસબુક ઉપર અલગ અલગ વ્યક્તિઓએ જૈન સમાજ, જૈન સાધુઓ વિશે અભદ્ર કોમેન્ટ કરી હતી. તેને કારણે જૈન સમાજના આગેવાનો દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢના વિસાવદરથી એક આરોપીની ધરપકડ કરી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ચાર આઇડીધારકોએ અભદ્ર ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ દ્વારકામાં 21 કરોડનું ચરસ ઝડપાયું, એક વ્યક્તિની ધરપકડ

તેમાં સતિષ ચાવડા, સીતારામ બાપુ રામદાસબાપુ, ધર્મેશ બારૈયા અને કેવલ નામના આઇડી પરથી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે વિસાવદરના સતિષ ચાવડાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપી સતિષ ચાવડાની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે સનાતન ધર્મમાં માને છે અને અમુક જૈન સમાજના વ્યક્તિઓ દ્વારા સનાતન ધર્મ વિશે ખરાબ મંતવ્ય રજૂ કર્યા હતા. જેના કારણે તે વ્યક્તિઓને સબક શીખવવા માટે ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે.