July 2, 2024

Bopalમાં થયેલી હત્યા મામલે માતા-પુત્રની ધરપકડ, અનૈતિક સંબંધ પૂરો કરવા રચ્યું કાવતરું

મિહિર સોની, અમદાવાદઃ બનાસકાંઠાના ભાભરના લાપતા યુવકનો ભેદ ઉકેલાયો છે. પ્રેમિકાએ પુત્ર સાથે મળીને બોપલમાં હત્યા કરીને લાશ સળગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. અનૈતિક સંબધનો કરૂણ અંજામ આવ્યો છે. આ મામલે બોપલ પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી છે. ફિલ્મી ઢબે હત્યાને અંજામ આપીને મૃતદેહનો નિકાલ કર્યો હતો.

ભાભર ગામના પ્રભુરામ ઠાકોર પાલનપુરની બનાસ ડેરીમાં દૂધનું ટેન્કર ચલાવે છે. ત્યારે 21મી મેના રોજ તે નોકરીના કામથી જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ નોકરી પહોંચ્યો નહોતો. 23મીએ તેની સાથે કામ કરતા વિનોદભાઇ ઠાકોરે પ્રભુરામ નોકરી આવ્યો નહોતો અને ફોન પણ બંધ હોવાનું જણાવ્યું હતું. જેથી પ્રભુરામના પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ પ્રભુરામની ભાળ મળી ન હતી. જેથી 24મી મેના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. ભાભર પોલીસે પ્રભુરામના મોબાઈલના CDR કઢાવીને એનાલિસિસ કરતા લક્ષ્મીબા વાઘેલા નામની મહિલા સાથે પ્રભુરામને વધારે વાત થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ભાભર પોલીસે 5 જૂને લક્ષ્મીબાને બોલાવીને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે માતા લક્ષ્મીબા વાઘેલા અને પુત્ર અર્જુનસિંહ વાઘેલાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પત્રકારના હત્યા કેસ મામલે 4 આરોપીની ધરપકડ, એક આરોપી ફરાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક પ્રભુરામ અને લક્ષ્મીબા વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમસંબંધ હતો. ફેબ્રુઆરી 2024માં લક્ષમીબાના પતિ જ્યેન્દ્રસિંહ વાઘેલાનું બીમારીના કારણે અવસાન થયું હતું. જેથી વિધવા હોવાથી સમાજમાં આ સબંધના કારણે બદનામી થતી હતી. જ્યારે અર્જુનસિંહની માતાના પ્રભુરામ સાથે પ્રેમ સંબંધને લઈને અણગમો હતો. અર્જુનસિંહ બનાસકાંઠાથી 6 મહિના પહેલા અમદાવાદ નોકરી માટે બોપલ આવી ગયો હતો અને માતાના પ્રેમી પ્રભુરામનું હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. લક્ષ્મીબા પણ સમાજની બદનામીના કારણે પ્રેમી સાથે સંબંધ ખતમ કરવા માગતી હતી. પરંતુ પ્રેમી તૈયાર નહોતો. જેથી માતા પુત્રએ હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. 21મીએ અર્જુનસિંહે પ્રભુરામને લઇને અમદાવાદ આવવાનું કહ્યું હતું. જેથી લક્ષમીબાએ દીકરાને મળવા જવું છે તેવું કહીને પ્રભુરામને ભાભરથી બસમાં અમદાવાદ લાવી હતી. 22મી મેના રોજ સવારે અર્જુનસિંહ પ્રભુરામને કુદરતી હાજતે જવાના બહાને ઘુમા ગામની સીમમાં લઈ ગયો હતો અને માથામાં ધારિયું મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાકડાં ભેગા કરીને મૃતદેહ સળગાવી દીધો હતો. એટલું જ નહીં મૃતકનો મોબાઈલ ચાલુ કરીને એક ટ્રેનમાં મૂકી દીધો હતો. જેથી પોલીસ લોકેશન મેળવી શકે નહીં. આ ઉપરાંત મૃતદેહ સળગાવી દીધા બાદ અસ્થિઓ પણ કેનાલમાં ફેંકીને પુરાવાનો નાશ કર્યો હતો.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં જામનગરમાં હત્યા, છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો

બોપલ પોલીસે હત્યા કેસમાં માતા અને પુત્રની ધરપકડ કરી છે. મૃતકની હત્યાના ઘટનાસ્થળે અવશેષો મેળવીને DNA ટેસ્ટને લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા કેસમાં માતા અને પુત્ર ઉપરાંત અન્ય કોઈ પરિવારના સભ્યની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.