July 4, 2024

પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયાસ કરતા બ્લેકમેઇલિંગનો ખુલાસો, આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરની પરિણીતાને મોડલિંગ કરવાનું સપનું ભારે પડ્યું છે. ઓરિસ્સાના યુવકે સોશિયલ મીડિયા પર મોડલ બનાવવા નામે અશ્લીલ ફોટો બનાવીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે યુવતી પાસેથી પૈસા પડાવવા એસ્કોર્ટ ગર્લ બનાવી હતી. આ મામલે સરખેજ પોલીસે યુવતીની ફરિયાદ લઈને ઓરિસ્સાથી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી કિશોર બિજયકુમાર મોહંતીએ સોશિયલ મીડિયામાં એક પરિણીત યુવતીને મોડલ બનાવવાની લાલચ આપીને પૈસા પડાવવા બ્લેકમેઇલ કરી હતી. યુવતીએ આરોપીના માનસિક ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ ઘટનાની વાત કરીએ તો માર્ચ 2023માં સરખેજ પોલીસ સ્ટેશનમાં એક પરિણીત યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. સરખેજમાં રહેતી આ યુવતીને આરોપી કિશોર મોહંતીએ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને સંપર્ક ર્ક્યો હતો. ત્યારબાદ મોડેલિંગમાં કામ અપાવવાનું કહીને મિત્રતા કેળવી હતી. મોડલ બનવાનું સપના જોતી આ યુવતી આરોપીની વાતોમાં ફસાતી ગઈ અને આરોપીએ પરિણીતાને વીડિયો કોલ કરીને બીભત્સ માગણીઓ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું. પછી બ્લેકમેઈલ કરીને પૈસાની માંગણી કરી હતી. જેથી કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સરખેજ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ઓરિસ્સાથી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી કિશોર મોહંતી મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે. બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ આઈટીનો જાણકાર છે. આરોપી કિશોરે સરખેજ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીને જાન્યુઆરી માસમાં રીષભ નામથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો. આરોપી મુંબઈમાં રહીને મોડેલિંગનું કામકાજ કરે છે તેમ કહીને યુવતીની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં આરોપીએ યુવતીને મુંબઈમાં મોડેલિંગમાં, સ્ટોરી એડિટર અને સ્ટોરી ટેલિંગ ઈન એફએમમાં કામ આપવાની લાલચ આપીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને અવારનવાર વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કોલ કરીને અશ્લીલ માગણી કરવાનું શરૂ કર્યુ હતુ.

યુવતીએ મોડલિંગની લાલચમાં આરોપીની માગણી પૂરી કરી હતી. પરંતુ અંતે કંટાળીને યુવતીએ માગણીઓ સ્વીકારવાનું બંધ કરી દેતા આરોપીએ વીડિયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ પતિ સહિત સંબંધીઓને વોટ્સએપ પર મોકલી દીધું હતું. એટલું જ નહીં, આરોપીએ યુવતીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અશ્લીલ લખાણ લખીને એસ્કોર્ટ ગર્લ બતાવી હતી. સરખેજ પોલીસે આ ગંભીર ઘટનાને લઈને જુદી જુદી ટીમો મુંબઈ અને ઓરિસ્સા તપાસ કરી હતી. અંતે આરોપીને ઓરિસ્સાથી ઝડપી લીધો હતો.

સરખેજ પોલીસે આરોપી કિશોર મોહંતીની ધરપકડ કરીને કોર્ટમા રજૂ કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ મુંબઈ અને ઓરિસ્સામા આ પ્રકારે અનેક યુવતીઓને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવ્યા હોવાની શંકાને લઈને પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.