June 30, 2024

આ યજમાન કરશે ભગવાન Jagannathનું લાખેણું મામેરું, જાણો કેવી છે તૈયારી

ટ્વિંકલ જાની, અમદાવાદઃ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાનના મામેરા માટે સરસપુરના મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી છે. આ વર્ષે 147મી રથયાત્રામાં યજમાન વિનોદ પ્રજાપતિ ભગવાનનું મામેરું કરશે.

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનો અવસર વિનોદભાઈ પ્રજાપતિને મળ્યો છે. વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠાના ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. છેલ્લા 5 વર્ષથી ભગવાનના મામેરાની રાહ જોતા બે ભાઈઓ અને ત્રણ બહેનો સહિતના પરિવારનું સપનું સાકાર થયું છે.

આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ પાસેથી સોગંદનામા લખાવતા વિવાદ

મામેરાના યજમાનો અવસર પ્રાપ્ત થતા પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વિનોદભાઈના પરિવારે NewsCapital સાથે ખાસ વાતચીત કરી અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જણાવી હતી. આ અંગે વિનોદભાઈનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષથી ડ્રોમાં નામ નોંધાવતા હતા. ત્યારે આજની ઘડીએ આવો લ્હાવો મળતા રંગેચંગે મામેરાની તૈયારીઓમાં લાગી ગયા છે. ભગવાનનાં મામેરામાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા, ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આગામી તારીખ 7 જુલાઈ અષાઢી બીજના શુભ દિને ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરયાત્રાએ નીકળશે. ત્યારે સૌ કોઈ હરખઘેલા થઈ ભગવાનની આગતા-સ્વાગતામાં કરશે.

આ પણ વાંચોઃ સુરતમાં મંદિરોના ડિમોલિશન મામલે VHP-બજરંગ દળ મેદાને

અષાઢી બીજના દિવસે સરસપુર રથયાત્રા રોકાવવાની પ્રથા છે. 7 જુલાઈએ ભગવનાનનું મામેરું ભરાશે. સરસપુર મંદિર ભગવાન જગન્નાથનું મોસાળ ગણાય છે. ત્યાં રથયાત્રાના યજમાન માટે દર વર્ષે ડ્રો સિસ્ટમ યોજાય છે. ડ્રોમાં જેમનું નામ નીકળે તેમને મામેરું કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. ત્યારે આ વર્ષે 12 યજમાનોના ડ્રો કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય યજમાન તરીકે વિનોદભાઈ પ્રજાપતિનું નામ નીકળ્યું હતું. વિનોદભાઈના પરિવારજનો ભગવાનના મામેરા પહેલાં જવેરાવિધિ, મહેંદી રસમ, પત્રિકા લખાણ, અન્નકૂટ, ભજન-કિર્તન વગેરે જેવા અવનવા કાર્યક્રમો પણ યોજશે.