July 4, 2024

લગ્નમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ તંત્રની લાલઆંખ

અમદાવાદ: લગ્નમાં ફૂડ પોઈઝનની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે. જેને લઈને AMC ફૂડ વિભાગ દ્વારા હોટેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ શહેરમાં યોજાયેલા લગ્નમાં જમણ બાદ જાનૈયાઓ સહિત કન્યા પક્ષના લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. લગ્નમાં કન્યા વિદાય બાદ જાનૈયાઓ ઘરે જવાને બદલે હોસ્પિટલ પહોંચ્યા હતા. લગ્નના ભોજન બાદ તેની અસર થઈ હતી. જેના કારણે કન્યા પક્ષ સહિત જાનૈયાઓનું સ્વાસ્થ્ય બગડ્યુ હતું.

મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઇને ફુડ વિભાગ દ્વારા જલારામ પરાઠા હાઉસમાંથી દાળ અને મન્ચુરિયનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તો અંકલ ડોનાલ્ડ પિઝાને બેદરકારી બદલ રૂપિયા 15 હજારનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય રિઅલ પેપ્રિકાને પણ રૂપિયા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફૂડ મામલે બેદકારી દાખવતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાતે લગ્ન પુરા કરીને જાનૈયાઓ બસમાં અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહ્યા હતા. ત્યારે નડિયાદ પાસે આ ઘટના બની હતી. અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને પેટમાં દુખવા લાગ્યુ હતું. ચાલુ બસમાં જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર શરૂ થઈ હતી અને ઝાડા ઉલ્ટી શરૂ થયા હતા. જે બાદ તંત્ર સફાળું જાગી ગયું છે.