November 25, 2024

કૃષ્ણનગરના કુખ્યાત ધમા બારડ અને તેની ગેંગ વિરુદ્ધ થશે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદમાં વધી રહેલા અસામાજિક તત્વોનો આતંક અને ગુનાખોરીને લઈને પોલીસે પણ હવે આરોપીઓ વિરુદ્ધ કડક રીતે કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કૃષ્ણનગર વિસ્તારમાં વર્ષોથી ચાલતી ધમા બારડ અને તેની ગેંગ ઉપર હવે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આ ગેંગના ત્રણ સભ્યો સામે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી અસામાજિક તત્વોએ જાણે કે આતંક મચાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં નરોડા, કૃષ્ણનગર, અમરાઈવાડી, સોલા, વાડજ સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને જાહેર રસ્તા ઉપર તેમજ સોસાયટીમાં ખુલ્લી તલવારો અને હથિયારો સાથે ભયનો માહોલ ફેલાવતા હોય તેવા વિડિયો પણ સામે આવ્યા હતા. જેને લઈને હવે પોલીસ દ્વારા પણ આવા આરોપીઓ સામે કડકાઈથી કાર્યવાહીઓ કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત કૃષ્ણનગર વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલી ધમા બારડની ગેંગ ઉપર હવે ગુજસીટોક ના કાયદાની અમલવારી કરવામાં આવશે. જેમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બારડ, સાહિલ પટેલ ઉર્ફે જોગી અને ચિરાગ મરાઠી ઉર્ફે ચીબા ઉપર ગુજસીટોકના કાયદાની અમલવારી કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે કૃષ્ણનગર વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ ધમા બારડ અને તેની ગેંગ વિરુદ્ધ તોડફોડ, મારામારી કરવી સહિતની ફરિયાદો નોંધાઈ હતી. જે બાદ તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો ત્યારે હવે તેમના વિરુદ્ધ ગુજસીટોક ની અમલવારી કરવામાં આવી રહી છે. જો ધમા બારડ અને તેની ગેંગના સભ્યોનો ગુનાહીત ઇતિહાસ જોઈએ તો ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમા વિરુદ્ધ અત્યાર સુધી અલગ અલગ 26 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાહિલ પટેલ ઉર્ફે જોગી વિરુદ્ધ 10 ગુનાઓ તેમજ ચિરાગ મરાઠી વિરુદ્ધ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.

ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ અને તેની ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, મારામારી, ધાડ, હથિયારો સાથે નીકળવું, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતના ગુનાઓ આચરેલા છે જેને લઇને અલગ અલગ ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે.કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં હવે પોલીસે ગુજસીટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળની કલમો ઉમેરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.