March 16, 2025

પત્રકારના નામે લોકો પાસેથી ખંડણી વસુલતા વધુ બે તોડબાઝોને પોલીસે દબોચી લીધા

અમિત રૂપાપરા, સુરતમાં RTIને પત્રકારોના નામે લોકો પાસેથી તોડ કરતા તત્વો સામે સુરત પોલીસ ખાસ મુહિમ ચલાવી રહી છે. આવા તત્વો વિરુદ્ધ લોકો નિઃસંકોચ પણે આગળ આવી ફરિયાદ નોંધાવે તેવી અપીલ સુરત પોલીસે કરી છે. અગાઉ 40થી પણ વધુ ગુન્હા સુરત પોલીસે અલગ અલગ પોલીસ ચોપડે નોંધ્યા છે. જ્યાં RTI અને પત્રકારના નામે લોકો પાસેથી ખંડણી વસુલતા વધુ બે તોડબાઝ પત્રકારો સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે.

બાંધકામ તોડાવી દેવાની ધમકી
પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર દિલ્હીગેટ વિસ્તારમાં હોટલમાં માલિક ચિરાગ પટેલ દ્વારા મહિધરપુરા પોલીસ ચોપડે બે અલગ અલગ ફરિયાદ આપવામાં આવી છે. તેઓની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મુસ્તાક બેગ નામનો ઇસમ તેમની પાસે આવ્યો હતો. જેને પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી.હોટેલ માલિક પાસેથી રૂપિયા 50 હજારની ખંડણી તેણે માંગી હતી. જે ખંડણી નહીં આપે તો બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી હતી. જ્યાં સમાધાન અંતે રૂપિયા 22 હજારમાં પતાવટ થઈ હતી અને 22 હજાર રૂપિયા જેટલી રકમ હોટેલ માલિક પાસેથી પડાવી લેવામાં આવી હતી.

પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
તેવી જ રીતે ગુજરાત સમીકરણ નામના ન્યૂઝ પેપરના પત્રકાર તલ્હા ચાંદીવાળા વિરુદ્ધ પણ હોટેલ માલિક ચિરાગ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના જણાવ્યા અનુસાર, તલ્હા ચાંદીવાલાએ રૂપિયા 50 હજારની ખંડણી માંગી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી હતી. જો કે ચિરાગ પટેલે જે તે સમયે રૂપિયા 12 હજાર આપી સમાધાન કર્યું હતું. પરંતુ તેમ છતાં હેરાન પરેશાન કરતા ચિરાગ પટેલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: IPL 2025 પહેલા રોહિત શર્મા પરિવાર સાથે ફરી રહ્યો છે માલદીવ, ફોટા થયા વાયરલ

તપાસ કરી કાર્યવાહી ના આદેશ આપ્યા
મહિધરપુરા પોલીસે હોટેલ માલિક ચિરાગ પટેલની ફરિયાદના આધારે બે અલગ અલગ ગુન્હો દાખલ કરી મુસ્તાક બેગ અને તલ્હા ચાંદીવાળા ની ધરપકડ કરી હતી. જે આરોપીઓ એ અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી આ પ્રમાણે ખંડણી વસૂલી છે કે કેમ તે અંગેની વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા સહિત અન્ય વિભાગોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા RTI કરી લોકો પાસેથી ખંડણી વસૂલવામાં આવી રહી હતી. બાંધકામ તોડાવી દેવની ધમકી આપી લોકોને બ્લેકમેઇલ કરવામાં આવતા હતા. જે બાદ RTI અને પત્રકારના નામે દમદાટી આપી ખંડણી વસૂલવામાં આવી રહી હતી. પૂર્વ વિધાનસભામાં ધારાસભ્ય અરવિંદ રાણાએ આ મામલે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. જે ફરિયાદ બાદ રાજ્ય ગૃહમંત્રીએ આવા લેભાગુ તત્વો સામે તપાસ કરી કાર્યવાહી ના આદેશ આપ્યા હતા.જ્યાં ગૃહમંત્રીના આદેશના પગલે છેલ્લા કેટલાય દિવસોથી સુરતમાં એક મુહિમ શરૂ કરવામાં આવી છે. અને લોકો પાસેથી ખંડણી વસુલતા તત્વો સામે કાર્યવાહીની શરૂવાત કરવામાં આવી છે. એક અંદાજ મુજબ હમણાં સુધી સુરત પોલીસ ચોપડે 40 થી પણ વધુ ગુન્હા પોલીસ ચોપડે દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જે કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ તેજગતિએ આગળ ધપાવવા આવશે.