October 4, 2024

11,111 વૃક્ષોનું વાવેતર કરનાર સુરતની સંસ્થાએ નોંધાવ્યું વિશ્વ રેકોર્ડમાં નામ

અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટી સુરતમાં ઈવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક દ્વારા 15 જૂનથી 15 ઓગસ્ટ સુધીના 2 મહિનામાં 11 હજાર 111થી વધારે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. 2 મહિનામાં આટલા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા અને આ વૃક્ષોની ખૂબ સારી માવજત બદલ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યૂનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડ એ રેકોર્ડ બુકમાં ઈવેજ ફાઉન્ડેશનના સંસ્થાપકનું નામ નોંધાયું છે.

સુરતની ઇવેજ સંસ્થાએ 15 જૂન થી 15 ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળામાં એટલે કે 2 મહિનામાં 11,111 થી વધારે વૃક્ષો વાવીને 4 સિધ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તવ્યમાં આ બાબતે સૂચનો આપે છે તેમજ કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરીને આવી છે અને પર્યાવરણ બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું એ આપણી પહેલી ફરજ છે. આ વર્ષે ઈવેજ ફાઉન્ડેશન સાથે યુનિવર્સલ અમેઝિંગ વર્ડ રેકોર્ડ્સના ડિરેક્ટર અશ્વિન સુદાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરનાં અલગ અલગ વિસ્તારમાં 111 11 વૃક્ષોના વાવેતર અને જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા.

સંસ્થા દ્વારા 2 મહિનામાં જ 11,111 થી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષારોપણબે લઇ સંસ્થાને ચાર વર્લ્ડ રેકોર્ડ એનાયત થયા છે. ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યૂનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ઇવેજ ફાઉન્ડેશનના અન્ય કાર્યો એને પ્રોજેક્ટની વાત કરતા સતિષભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે , અમારી દ્વારા ગરીબ પરિવારને આર્થિક તેમજ રાશન સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને વિદ્યા સહાય પૂરી પાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્થાને વૃક્ષારોપણમાં જે પણ સિદ્ધિ હાંસલ થઈ છે તે તમામ કાર્યકર્તા અને સભ્યોની મહેનતના આધારે આ સિદ્ધિ મળી છે. કારણ કે આ તમામ સભ્યો વૃક્ષો વાવ્યા બાદ જ્યારે ઓફીસ કામ બાદ પોતાના ઘરે પર જઈ રહ્યા હોય ત્યારે તમામ વૃક્ષોનું નિરીક્ષણ કરતા હોય છે અને જે પણ વૃક્ષને માવજતની જરૂર હોય તેને જરૂરી માવજત પૂરી પાડીને તેને ઉછેરવાનું કામ કરી રહ્યા છે. એટલે પરિવારના સભ્યોની જેમ વૃક્ષોને સાચવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે અકસ્માતોની ઘટનાના કારણે એક બે વૃક્ષોને ક્ષતિ પણ થઈ હતી પરંતુ આ ક્ષતિગ્રસ્ત વૃક્ષોની જગ્યા પર નવા વૃક્ષો વાવીને ફરીથી આ જગ્યા પર સારા વૃક્ષનો ઉછેર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારે વૃક્ષારોપણનું કાર્ય પણ કરવામાં આવશે.