December 21, 2024

ડાકોરમાં ભાદરવી પૂનમે હજારો ભક્તો મંગળા આરતીમાં જોડાયા

ખેડાઃ ભાદરવા સુદ પૂર્ણિમાને લઈને ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. વહેલી સવારે ભગવાન રણછોડરાયની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા હતા.

ભક્તોએ ડાકોરના ઠાકોર રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પૂર્ણિમાને લઈને સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ રહેશે. ભગવાનના દર્શન કરીને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ‘જય રણછોડ, માખણ ચોર’નાં નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું છે.

શામળાજીમાં ભાદરવી પૂનમે ભક્તોની ભીડ
આજે ભાદરવા સુદ પૂનમ છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ કાળીયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આજના દિવસે ભગવાન શામળિયાને વિશિષ્ટ શણગાર કર્યો છે. ભગવાનને ખાસ સોનાની વનમાલા સહિત હીરાજડિત મુગટ પહેરાવવામાં આવ્યો છે. ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા છે. આજના દિવસે અલગ અલગ મનોરથના દર્શન થશે.

ખાસ આજથી શ્રાદ્ધપક્ષ શરૂ થયો છે. ભાદરવી પૂનમનું આજે પહેલું શ્રાદ્ધ છે. ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન અને દર્શનનું આગવું મહત્વ છે. ત્યારે ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામલજીમાં આવેલા વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં ભકતો પિતૃઓની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે.