સુરત APMC માર્કેટની જગ્યામાં અન્ય ઓફિસ બંધ કરવા હાઇકોર્ટનો આદેશ
અમિત રુપાપરા, સુરતઃ શહેરની એપીએમસી માર્કેટના હોદ્દેદારો દ્વારા ખેડૂતોના હિતની જગ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બાંધી દેવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે જે કૃષિ બજાર મોલ બનાવવામાં આવ્યો હતો. આ મોલમાં પણ ખેડૂતો નહીં પરંતુ કોમર્શિયલ તેમજ આઇટી સેક્ટર ઉપરાંત ટ્યુશન ક્લાસ ચલાવતા લોકોને ઓફિસો ફાળવી દેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો હાલ હાઇકોર્ટમાં પહોંચ્યો છે અને કૃષિ બજાર તેમજ ફાઇવ સ્ટાર હોટલ વિવાદ મામલે હાઇકોર્ટ દ્વારા કડકવલણ અપનાવવામાં આવ્યું છે અને કૃષિ સિવાય અન્ય ઓફિસો કૃષિ બજારમાં બંધ કરવાના આદેશ આપ્યા છે.
હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાના કારણે કૃષિ બજારમાં જે લોકો ઓફિસો ધરાવી રહ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે કૃષિ બજારની અંદર એલઆઇસી, આઇટી ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, એરહોસ્ટેસ ક્લાસીસ, ઓનલાઈન બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર તેમજ અનેક અલગ અલગ ઓફિસો ચાલી રહી છે. તમામ ઓફિસ ધારકો હાલ મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે હાઇકોર્ટના આદેશના કારણે ઓફિસના દરવાજા બંધ કરવા પડ્યા છે અને એટલા માટે સવારથી જ અહીંયા જે કામ કરતા કર્મચારી છે તેઓ પણ અટવાયા છે.
મહત્વની વાત છે કે, ઓફિસધારકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એપીએમસીના હોદ્દેદારો દ્વારા જ્યારે ઓફિસો ભાડે આપવામાં આવી હતી. ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે તમે લાંબા સમય સુધી પણ અમારી સાથે ભાડાકરાર કરી શકશો અને ચાર-પાંચ કે છ વર્ષ સુધી જો અમને ઓફિસ એક જ જગ્યા પર મળતી હોય તેવી આશાને લઈને અમે ઓફિસમાં 70થી 80 લાખ રૂપિયાનું ફર્નિચર તેમજ મશીનરી અને ખૂબ મોટા સ્ટાફની રિક્રુટમેન્ટ પણ કરી હતી. હવે જ્યારે આ ઓફિસો ખાલી કરવા માટે હાઇકોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કંપનીની ગુડવીલ, કર્મચારીની નોકરી અને કંપનીમાં હાલ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે તમામ મુશ્કેલીમાં મુકાયા છે.
ઓફિસ ભાડે રાખનારા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તમે જ્યારે કોન્ટ્રાક્ટ કરવા માટે આવ્યા હતા. ત્યારે અહીંના મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું ન હતું કે આ ઓફિસ માત્ર ખેડૂતોના હિત માટે ઉપયોગમાં લેવાની છે. અમને સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું હતું કે તમે કોઈપણ બિઝનેસ આ મોલમાં કરી શકો છો. એટલા માટે જ અમે અહીંયા ઓફિસ ભાડેથી રાખી હતી પરંતુ હાલ જે પ્રકારે હાઇકોર્ટે નિર્ણય લીધો છે તેને લઈને અમે મુશ્કેલીમાં મુકાયા છે.’