September 21, 2024

ચૈતરનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનોઃ મનસુખ વસાવા

નર્મદાઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધિકારીઓ પર આક્ષેપ મામલે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ચૈતર વસાવાએ કરેલા તમામ આક્ષેપ ફગાવી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ચૈતર વસાવાએ પોલીસ અને સરકારી અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત ગઈકાલે કલેક્ટર કચેરીએ રજૂઆત દરમિયાન આમ આદમી પાર્ટીએ હોબાળો કર્યો હતો. અધિકારીઓ બીજેપી સદસ્યતા અભિયાનનું કાર્ય કરે છે તેવો ચૈતર વસાવાએ આક્ષેપ કરી કલેક્ટરને રજૂઆત કરી હતી. ત્યારબાદ આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

સાંસદ મનસુખ વસાવાએ આ મામલે જણાવ્યુ હતું કે, ‘ચૈતર વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કર્યા કરે. કર્મચારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં નથી કર્યો. અમે માત્ર ટકોરાબંધ વ્યક્તિઓને જ સભ્ય બનાવીએ છીએ. ચૈતરના આક્ષેપ ખોટા છે.’

આ પણ વાંચોઃ હવે પેસેન્જર ટ્રેન પણ સુપરફાસ્ટ, 3 હજાર વંદે ભારત મેટ્રો દોડાવાશે; ગુજરાતથી શરૂઆત

તેઓ વધુમાં જણાવે છે કે, ‘ચૈતર વસાવા ચૂંટણી પહેલાં મનરેગાના કર્મચારીઓને કામ બંધ કરાવી ચૂંટણી સભામાં લઈ જતા હતા. જેના વીડિયો પણ છે અને ટીડીઓએ પગલાં લીધા હતા. એટલે તે ટીડીઓનો વિરોધ કરે છે. કરાર આધારિત કર્મચારીઓ બીજેપીની વિચારધારાવાળા સભ્યો બને છે. વિચારધારાના લોકોને પાર્ટીમાં જોડીએ છીએ, તેઓ કોઈ કામ કરતા નથી. ચૈતરના આક્ષેપો ખોટા છે. તેમની પાસે કોઈ પ્રૂફ નથી.’

તેઓ કહે છે કે, ‘ચૈતર ટીડીઓને ખોટી રીતે હેરાન કરે છે. પોલીસ હપ્તા લેતી હોય તો તેમનો સાળો પોલીસ છે, એ તેમને રાખીને જનતા રેડ કરે. દેવમોગરામાં દારૂ વેચાતો હોય તો પકડે. ચૈતરનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનો છે.’