January 3, 2025

ન્યુયોર્કમાં યોજાશે PM મોદીનો ગ્રાન્ડ કાર્યક્રમ, 24 હજાર પ્રવાસી ભારતીયો લેશે ભાગ

PM Modi in US: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ન્યૂયોર્કમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને સંબોધિત કરવાના છે. આ વિશાળ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ પોતાના નામ નોંધાવ્યા છે.

15 હજાર લોકોની કાર્યક્રમ સ્થળની ક્ષમતા
આગામી 22 સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમને ‘મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ નામ આપવામાં આવ્યું છે અને તે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલેજિયમ ખાતે યોજાશે. 15 હજાર લોકોને સમાવી શકે તેટવી આ હોલની ક્ષમતા છે. પરંતુ, તે સ્પષ્ટ છે કે અહીં ક્ષમતા કરતા ઘણા વધુ લોકો હાજર રહેવાના છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને પણ સંબોધિત કરશે.

42 રાજ્યોમાંથી જોડાશે ભારતીયો
ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ USA (ICU) એ મંગળવારે જણાવ્યું કે આ ગ્રાન્ડ ઈવેન્ટમાં ભાગ લેવા માટે 24 હજારથી વધુ ભારતીયોએ પોતાના નામ નોંધાવ્યા છે. નોંધણી કથિત રીતે 590 સામુદાયિક સંસ્થાઓ તરફથી આવી છે, જે તમામે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ‘વેલકમ પાર્ટનર્સ’ તરીકે હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના ઓછામાં ઓછા 42 રાજ્યોમાંથી ભારતીય અમેરિકનો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

સાંસ્કૃતિક પ્રસ્તુતિની પણ કરાશે ઝાંખી
કાર્યક્રમના મુખ્ય આયોજકે જણાવ્યું છે, ‘અમે ઈચ્છીએ છીએ કે આ ઐતિહાસિક ઈવેન્ટમાં વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે. અમે બેઠક વ્યવસ્થા વધારવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ‘મોદી અને અમેરિકા’ કાર્યક્રમ ભારતીય-અમેરિકન સમુદાયની એકબીજા સાથે જોડાયેલી સંસ્કૃતિની ઉજવણીનો સમાગમ હશે. આ ઈવેન્ટમાં વ્યાપાર, વિજ્ઞાન, મનોરંજન અને કલાના ક્ષેત્રોમાં અગ્રણી ભારતીય-અમેરિકનો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવશે.’ જણાવી દઈએ કે, નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ USA (IACU) સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઈન્ડો-અમેરિકન સમુદાય વચ્ચે સમજણ અને એકતાને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો: ટ્રકના છાપરે બેસી વડોદરાનો ‘તરતો વિકાસ’ જોવા નીકળ્યા આરોગ્ય મંત્રી

2019માં પીએમ મોદીએ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં કર્યું હતું સંબોધન
વર્ષ 2019ની શરૂઆતમાં, પીએમ મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં NRG સ્ટેડિયમમાં મેગા કોમ્યુનિટી ઇવેન્ટ ‘હાઉડી મોદી’માં સંબોધન કર્યું હતું. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ વર્ષે તેમનો અમેરિકા પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશમાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે.