ટ્રકના છાપરે બેસી વડોદરાનો ‘તરતો વિકાસ’ જોવા નીકળ્યા આરોગ્ય મંત્રી
વડોદરા: રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં બારે મેઘ ખાંગાં થયા છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેમાં પણ સંસ્કારીનગરી વડોદરામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે, આજે રાજ્યના આરોગ્ય મંત્રીએ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: લોકગાયક વિજય સુવાડા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં કરાઇ ધરપકડ
મહત્વનું છે કે, વડોદરામાં ગઈકાલથી હવામાનની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે અડધો અડધ વડોદરા શહેર જળબંબાકાર થઈ ગયું છે. ત્યારે, શહેરની પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે વડોદરા પહોંચ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ટ્રક પર બેસીને પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. પુરગ્રસ્ત વિસ્તારોમાં પૂરની સ્થિતિ એટલી દયનીય હતી આરોગ્ય મંત્રીએ વડોદરા મહાનગરપાલિકાના ટ્રક પર બેસીને વિસ્તારોની મુલાકાત કરવી પડી હતી. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.