November 22, 2024

વલસાડમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર મામલે હિંસા, વાહનોમાં તોડફોડ-આગચંપી

વલસાડઃ જિલ્લાના ઉમરગાંવમાં 3 વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપીની ઓળખ ગુલામ મુસ્તફા તરીકે થઈ છે. ગુલામ મુસ્તફાની ધરપકડની માગ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આરોપીની મહારાષ્ટ્રના પાલઘરથી ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરી
આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. ઉમરગાંવમાં ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે. હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે.

આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે
વલસાડના પોલીસ અધિક્ષક (SP) ડૉ. કરણરાજ વાઘેલા ઉમરગાંવ પોલીસ સ્ટેશનની બહાર લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. લોકોનું કહેવું છે કે, આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. એસપીએ ભીડને કહ્યું કે, ગૃહમંત્રીએ કહ્યું છે કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આરોપીને ફાંસીની સજા અથવા આજીવન કેદની સજા આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ, બાળકી પરની ક્રૂરતાની માહિતી મળતાં જ રાત્રે જ મોટી ભીડએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને ન્યાયની માગણી કરવા લાગ્યા. ટોળાએ ઘણાં વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાકને આગ પણ લગાવી હતી. ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા.