December 23, 2024

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન મકાન પર પડી, પરિવારના હાલ બેહાલ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના નાના વરાછા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે યમુના નગર સોસાયટીના એક મકાન પર મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં મકાનને ખૂબ મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ મેટ્રોના અધિકારી દ્વારા મકાનમાલિકનો સંપર્ક કરવામાં આવ્યો નથી. પોલીસ દ્વારા પણ મકાનની બેરીકેટિંગ કરી બંધ કરી દેવામાં આવ્યું છે. મકાનમાલિકને પણ ઘરની અંદર જવા દેવામાં આવતા નથી. મકાનમાલિકની માગણી છે કે, જેના દ્વારા આ કામ કરવામાં આવ્યું છે, તે તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી નહીં થાય તો કોર્ટમાં જઈને અમે ન્યાય માગીશું.

સુરતના નાના વરાછા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન મકાન પણ ક્રેન પડવાની ઘટના સામે આવી હતી. બે ક્રેન વડે લોડરનું બોક્સ ચઢાવતા સમયે આ દુર્ઘટના બની હતી. યમુના નગર સોસાયટીમાં એબી 13 નંબરના મકાન પણ આ ક્રેન પડી હતી. આ મકાનમાં રહેતા સભ્યો વડોદરા ગયા હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો બીજી તરફ, સ્થાનિક લોકો દ્વારા મકાનમાલિક મહેશભાઈ દેસાઈને આ બાબતે માહિતી આપતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

મકાન માલિક મહેશભાઈ ઘરે આવ્યા પરંતુ તેમને મકાનની અંદર જવા દેવામાં આવ્યા નહીં. તેથી મહેશભાઈ અને તેમની પત્નીને આખી રાત અન્ય લોકોના ઘરે પસાર કરવાનો વારો આવ્યો હતો. મેટ્રોના અધિકારીઓની બેદરકારીના કારણે મહેશ દેસાઈનું ઘર તૂટી ગયું હતું. છતાં પણ મેટ્રોના અધિકારી દ્વારા આ પરિવારને રહેવા અથવા તો જમવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

પતિ-પત્નીએ અન્ય લોકોના ઘરે રાત વિતાવી હતી અને સવારે પણ તેઓ સામાન કાઢવા માટે ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમને મેટ્રોના કર્મચારી અને પોલીસ દ્વારા ઘરમાં જવા દેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત મેટ્રોના અધિકારી મકાનમાલિક મહેશ દેસાઈ સાથે વાતચીત કરવા પણ તૈયાર ન હતા. ઘટનાના 12 કલાક કરતાં વધુ સમય થયો હોવા છતાં પણ મેટ્રોના કોઈપણ અધિકારી દ્વારા આ પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો નથી.

મકાનમાલિક મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત મેટ્રોની કામગીરીને લઈને ઘણી મુશ્કેલી થઈ છે. અવારનવાર ઘર પાસે જ ટ્રાફિકજામ થઈ જાય છે. તો અવારનવાર ધૂળ પણ ઉડે છે. ત્યારે અમે પણ મેટ્રોની કામગીરીમાં સહકાર આપ્યો છે. પરંતુ આ પ્રકારે જો જીવનું જોખમ લઈને કામગીરી થતી હોય તો તે કામગીરી ન થવી જોઈએ અને આટલી મોટી બેદરકારી પાછળ જે પણ અધિકારી અને મેટ્રોના કર્મચારીની જવાબદારી હોય તે તમામ સામે પોલીસમાં ફરિયાદ દાખલ થવી જોઈએ. આ બાબતે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.’