October 14, 2024

રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કેટલી સહાય મળશે

ગાંધીનગરઃ ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાન અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. વર્ષ 2024ના જુલાઈમાં થયેલા ભારે વરસાદને કારણે નુકસાનને લઈને સહાય જાહેર કરી છે. નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

કૃષિ મંત્રીએ 350 કરોડ રૂપિયાની માતબર રકમનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. SDRFના નિયમો પ્રમાણે તેમ જ નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈ સહાય આપવામાં આવશે. રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય પણ આપવામાં આવશે.

9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4.06 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે. 272 ટીમોએ વિગતવાર સરવે હાથ ધર્યો છે. 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો:

  • ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ 8500 તેમજ રાજ્ય બજેટ હેઠળ 2500 સહાય મળી કુલ 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
  • વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ 5000 સહાય મળી કુલ 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
  • બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ 22,500 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.