અમદાવાદ સિવિલમાં સુરક્ષા વધારાઈ, SHE ટીમ 24 કલાક હાજર રહેશે
મિહિર સોની, અમદાવાદઃ કોલકતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા તબીબ પર રેપ વિથ મર્ડરની ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મહિલા તબીબોની સુરક્ષા વધારી સિવિલ હોસ્પિટલના સમગ્ર પરિસરમાં હવે SHE ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
કોલકાતાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. દેશના ડોક્ટરો છેલ્લા ઘણાં દિવસથી ન્યાયની માગ સાથે વિરોધ કરી હડતાળ પર ઉતર્યા છે. સિવિલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો ફરજ બજાવે છે. આ સાથે જ જુનિયર ડોક્ટર મહિલાઓ રહેવા માટેની હોસ્ટેલ આવેલી છે. જેથી સુરક્ષાની માગ સિવિલ હોસ્પિટલ દ્વારા થતા ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ દ્વારા હવે હોસ્પિટલમાં સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. જેમાં પહેલીવાર રાત્રીના સમયે પણ સિવિલ પરિસરમાં SHE ટીમ હાજર રહેશે. શહેર પોલીસ કમિશનરે મંજૂરી આપતા 24 કલાક SHE ટીમ હાજર રહેશે. આ સાથે જ હોસ્ટેલ પાસે સિવિલ પોલીસ ચોકી નવી ઉભી કરવામાં આવી છે.
સિવિલ કેમ્પસમાં મહિલા તબીબોની રાત્રિ ડ્યૂટીને ધ્યાને રાખી રાત્રિના સમયે પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને 1200 બેડ પાસે આવેલી ગર્લ્સ હોસ્ટેલ પાસે નવી પોલીસ ચોકી પણ ઉભી કરવામાં આવી છે. જ્યાં પોલીસકર્મીઓ સાથે મહિલા પોલીસ પણ હાજર હશે. મહિલા હોસ્ટેલ, મેડિકલ કોલેજ અને ટ્રોમા સેન્ટર આસપાસ વિશેષ કાળજી રાખવામાં આવશે. પોલીસની સાથે જીઆઇએસએફ અને સિક્યુરિટી ગાર્ડ પણ સુરક્ષા માટે ફાળવી દેવામાં આવ્યા છે.