December 6, 2024

સોની વેપારીનું અપહરણ કરી 20 લાખ પડાવવાના કેસમાં 5 આરોપીની ધરપકડ

પોરબંદરઃ શહેરમાં સોની વેપારીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ 20 લાખ રૂપિયાની ખંડણી પડાવવાના કેસમાં પોલીસે વધુ પાંચ આરોપીઓને પકડ્યા છે.

ભરત લાઠીયા નામનો શખ્સ અને તેના સાથીદારો જુદા-જુદા આઠ બનાવમાં અનેક લોકોને હનીટ્રેપ, નગ્ન દેખાય તેવા ચશ્મા, સસ્તું સોનું આપવાની લાલચ અપાવી છેલ્લા આઠ વર્ષમાં લાખો રૂપિયા પડાવ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

પોરબંદરના સોની વેપારીને સસ્તા સોનાની લાલચ આપીને રાજસ્થાનના જયપુર ખાતે મકાનમાં ગોંધી રાખી રૂપિયા 20 લાખની ખંડણી પડાવવાના ગુનામાં પોલીસે અગાઉ બે ઇસમોને પકડી પાડ્યા બાદ પોરબંદર LCBની ટીમને વધુ પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઇસમો પોરબંદરથી દ્વારકા તરફ કારમાં જતા હતા, ત્યારે કુછડીના બર્ડ વચિંગ ટાવર નજીક વોચ ગોઠવીને પકડી લીધા હતા. જેમની પાસેથી સાડા ત્રણ લાખથી વધુની રોકડ 10 લાખની કાર છરી મોબાઇલ સીમકાર્ડ સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ હની ટ્રેપમાં ફસાવીને ખંડણી ઉઘરાવી હોય તેવા આઠ કિસ્સામાં તેમણે લાખો રૂપિયા પડાવ્યા છે. માણસો નગ્ન દેખાય તેવા ચશ્મા આપવાની લાલચ આપીને 15 લાખથી માંડીને 30 લાખ રૂપિયા પડાવ્યા છે. આ ઉપરાંત સસ્તા ભાવે હીરા આપવાના બહાને બંને બાજુ કલરવાળું મોરપિંછ આપવાના બહાને અને પંચજન્ય શંખ આપવાના બહાને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી અનેક લોકોને અપહરણ કરી ગોંધી રાખી લાખો રૂપિયાની ખંડણી વસૂલ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર પોલીસે આ ઇસમોની આકરી પૂછપરછ હાથ ધરી છે.

ફરીયાદ પ્રમાણે, સોની વેપારીને જયપુરમાં બજારભાવથી 15 ટકા ઓછા ભાવથી સોનું મળતું હોવાની તથા ગ્રાહક લાવનારને પાર્ટી 4 ટકા કમિશન આપવાની વાત કહી સોની વેપારીનું અપહરણ કરી રાજસ્થાનના જયપુર ખાતે લઈ જઈ ત્યાં અવાવરું જગ્યાએ એક મકાનમાં ગોંધી રાખ્યો હતો. ત્યારબાદ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી 20 લાખની ખંડણી માંગી આંગળીયા પેઢી મારફતે મેળવી ગુનો કર્યો હતો. ત્યારે આરોપીઓને શોધી કાઢવા પોરબંદર LCB દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેક્નિકલ સોર્સિસ તથા બાતમીદાર મારફતે આરોપીઓને પોરબંદરના કૂછડી ગામ નજીકથી ઝડપી પડ્યા હતા.